Vadodara Accident : વડોદરા દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર વહેલી સવારે એક ટ્રકની સાથે કાર અથડાતા કારમાં સવાર અમદાવાદના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પત્ની, સસરા અને સાળાને ઈજા થતાં તેઓને સારવાર માટે ખસેડાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં સારા ગામમાં રહેતા દિશાંત લલિત પારેખે પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું બંસી ફૂડ નમકીનનું ઉત્પાદન કરું છું. તારીખ 28ના રોજ સવારે 4:00 વાગે અમદાવાદ રહેતા મારા મોટી બેન ડોલીના ઘેરથી હું મારા બનેવી મૌલિક અશ્વિનભાઈ શાહ ભાણી હારવી ભાણેજ સ્નેહ અને મારા પિતા લલિતભાઈ બનેવીની મારુતિ બલેનો કાર લઈને સુરત વેસુ ખાતે મારા મામાની પુત્રી દીક્ષા લેતી હોવાથી આમંત્રણ પત્રિકા લખવા માટે જવા નીકળ્યા હતા.
સવારે 6:00 વાગે વડોદરા દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર સરસવણી ગામ પાસેથી પસાર થતા હતા કાર હું ચલાવતો હતો તે વખતે પહેલા ટ્રેક પર ચાલતી ટ્રક અચાનક બીજા ટ્રેક પર લાવતા કાર ટ્રકની પાછળની સાઈડ અથડાઈ હતી. આ અકસ્માત બાદ ટ્રક લઈને ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે મારી બાજુની સીટ પર બેઠેલા બનેવી મૌલિક શાહનું સ્થળ પર મોત નિપજ્યું હતું. અક્સ્માતમાં મને, મારી બહેન તેમજ પિતાને ઈજા થતાં તેઓને સારવાર માટે ખસેડાયા છે.