Vadodara National Institute : વડોદરામાં 17 વર્ષ પહેલા પકડાયેલા બોગસ ડિગ્રી અને માર્કશીટ કૌભાંડના મુખ્ય સૂત્રધારને પોલીસે મુંબઈ ખાતેના ફ્લેટમાંથી ઝડપી પાડ્યો છે.
અલકાપુરીના કોન્ટ્રાક્ટ બિલ્ડિંગમાં વર્ષ 2008માં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટના નામે ભાડાના ફ્લેટમાં ઓફિસ શરૂ કરી કોઈપણ જાતના શિક્ષણ વગર ડિગ્રી અને માર્કસીટો આપવાના કૌભાંડનો પર્દાફાશ થતા સયાજીગંજ પોલીસે 6 કોમ્પ્યુટર તેમજ 654 માર્કશીટ, 335 ડીગ્રી તેમજ અન્ય દસ્તાવેજો કબજે કર્યા હતા.
ઉપરોક્ત કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે સંસ્થાના રજીસ્ટર અને ચેરમેન અભિષેક તનસુખલાલ ધારીવાલનું નામ ખુલ્યું હતું. પરંતુ તેનો પત્તો લાગતો ન હતો. જેથી કોર્ટે સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ જારી કર્યું હતું.
આરોપી હાલમાં ઈમ્પિરિયલ હાઇટ્સ બેસ્ટ નગર ગોરેગાંવ વેસ્ટ મુંબઈ ખાતે રહેતો હોવાની વિગતો મળતા વોચ રાખવામાં આવી હતી અને ગઈકાલે ફ્લેટમાંથી ઝડપી પાડી વડોદરા લવાયો હતો. પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ કરી છે.