Vadodara News: વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધ દેસાઈનું રવિવારે (28મી સપ્ટેમ્બર) હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. તેમના નિધનથી શૈક્ષણિક તથા રાજકીય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ત્યારે સોમવારે (29મી સપ્ટેમ્બર) તેમની અંતિમયાત્રા નીકળતા અધિકારીઓ, રાજકીય પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે શહેરના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મળતી માહિતી અનુસાર, રવિવારે સાંજે નિષિધ દેસાઈને અચાનક ચક્કર આવતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનું નિધન થતાં પરિવારજનો તથા નજીકના સગા-સંબંધીઓ શોકમગ્ન બન્યા હતા. સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસસ્થાને પહોંચી પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. અકોટા ગાર્ડન નજીક મંગલમ્ ટેનામેન્ટ નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળતા શિક્ષણ સમિતિના સભ્યો, શિક્ષકો, વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પદ અધિકારીઓ, રાજકીય પક્ષના હોદ્દેદારો – કાર્યકર્તાઓ સાથે શહેરના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અંતિમયાત્રા વડીવાડી સ્મશાન સુધી પહોંચી, જ્યાં ધાર્મિકવિધિ મુજબ નીષીધ દેસાઈનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. અગાઉ પણ શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટણીનું પણ હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.
આ પણ વાંચો: સદીઓથી માતાજીની ભક્તિનો મહિમા, વડોદરા મ્યુઝિયમમાં પાંચમી સદીની ચામુંડા માતાની મૂર્તિ
ગુજરાતમાં 57 ટકા પુરુષોને હૃદયની સમસ્યા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં હૃદયની ઈમરજન્સીના કુલ 38,386 કેસ નોંધાયા હતા અને તેની સામે આ વર્ષે 25 સપ્ટેમ્બર સુધીમાં જ 62,039 કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ આ વર્ષે પ્રતિ દિવસે હૃદયની ઈમરજન્સીના સરેરાશ 232 કેસ નોંધાય છે. હૃદયની ઈમરજન્સીના આ વર્ષે જે કેસ નોંધાયા છે તેમાં 57 ટકા પુરુષો છે. આજે ‘વિશ્વ હૃદય દિવસ’ છે ત્યારે હૃદયને લગતી ઈમરજન્સીના કેસ સતત ચિંતા વધારી રહ્યા છે.