ટ્રસ્ટ દ્વારા ચક્ષુદાનનું ભગીરથ કાર્ય : સતત 7 વર્ષથી લોકોમાં ચક્ષુદાન- અંગદાન- દેહદાન અને સ્કીન ડોનેશન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ
રાજકોટ, : ઈશ્વરે રચેલી સુંદર રંગબેરંગી દુનિયાના અવનવા રંગોનો અનુભવ એ જ લોકો કરી શકે જેમની પાસે દ્રષ્ટિ હોય. દ્રષ્ટિવિહિન લોકો માટે તો આ સમગ્ર વિશ્વ સમાન જ છે પરંતુ આવા દ્રષ્ટિવિહિન બાંધવોને ચક્ષુ અર્પણ કરાવી તેમના જીવનમાં અવનવા રંગો ભરવાનું કાર્ય ટ્રસ્ટ કરી રહ્યું છે.
જયારે સ્મશાનમાં કોઈ કાર્યક્રમ કરવાનું કહેવામાં આવે તો જરા અજુગતું લાગે પરંતુ પરમાર્થ કાજ જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટે સ્મશાનમાં પણ સતત 6દિવસ ચક્ષુદાન જાગૃતિનો કાર્યક્રમ યોજી સાત જેટલા ચક્ષુદાન મેળવ્યા છે. ટ્રસ્ટ મારફત પ્રથમ 100 ચક્ષુદાન 4 વર્ષે થયેલા, બીજા સો ચક્ષુદાન 14 મહિનામાં, ત્રીજા 100 10 માસમાં, ચોથા સો ચક્ષુદાન સવા આઠ મહિનામાં, પાંચમાં સો ચક્ષુદાન માત્ર પાંચ મહિનામાં, છઠ્ઠા શો આઠ મહિનામાં, સાતમાં સો ચક્ષુદાન પાંચ મહિનામાં પૂર્ણ થયા છે. અત્યારે 750 ચક્ષુદાન પૂર્ણ થયા છે, જેનાથી લગભગ 1500 પ્રજ્ઞાાચક્ષુઓના જીવનમાં અજવાળા પથરાયાં છે. ઉપરાંત 40 સ્ક્રીન ડોનેશન, 61 દેહદાન કરાવ્યા છે.
ટ્રસ્ટ છેલ્લા 7 વર્ષથી ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જેવી સમાજસેવાનું કામ કરી રહ્યું છે. સ્મશાન ઉપરાંત, મૃતકના બેસણામાં તથા જાહેર રસ્તાઓ, મંદિરો જેવી જગ્યાએ, મેળામાં, જયાં વધુ જનમેદની હોય તેવા સ્થળોએ ટ્રસ્ટની ટીમ પહોંચી લોકોને ચક્ષુદાન, અંગદાન, સ્કીન ડોનેશન, દેહદાનનો પ્રચાર પ્રસાર કરી ભગીરથ સેવાકાર્ય કરે છે.