ખુલ્લા વીજવાયરના કારણે દુર્ઘટના બન્યાનું અનુમાન : સરકારી હોસ્પિટલ ખાતે લોકોનાં ટોળાં ઉમટયાં
જૂનાગઢ, : કેશોદમાં ભારે વરસાદના લીધે અંડરબ્રિજમાં પાણી ભરાયુ હતું, જેમાંથી પાણી કાઢતી વખતે વીજશોક લાગતા એક યુવાનનું મોત થયુ હતું, જ્યારે અન્ય બે યુવકનો બચાવ થયો હતો. આ બનાવ અંગે જાણ થતાં હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડયા હતા અને મૃતક યુવાનના પરિવારને વળતર ચૂકવવા માંગ કરી હતી અન્યથા આંદોલન કરવા ચિમકી આપી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદમાં છેલ્લા ચારેક વર્ષથી અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. જ્યાં અઢી વર્ષ જેટલા સમયથી મંગલપુરનો દિવ્યેશ અશોકભાઈ રાઠોડ (ઉ.વ. 25) કામ કરતો હતો. ગઈકાલે રાત્રીથી આજે બપોર સુધીમાં કેશોદમાં પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હતો. અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું.
જીયુડીસી દ્વારા બનાવાતા અંડરબ્રિજમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પંપીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે દિવ્યેશ રાઠોડ અને અન્ય બે યુવાનોને વીજશોક લાગ્યો હતો. અન્ય બે યુવાનોને વીજશોક ફૂટી જતા તેનો બચાવ થયો હતો. જ્યારે દિવ્યેશનું જોરદાર વીજશોકથી મોત થયુ હતું. આ ઘટનાથી ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતા સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડયા હતા. કેશોદ તાલુકા અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે દિવ્યેશનું જોરદાર વીજશોકથી મોત થયું છે જ્યારે તેની સાથે કામ કરતા બે યુવકનો બચાવ થયો છે. કોન્ટ્રાક્ટર,નગરપાલિકા અને સરકાર મૃતક યુવકના પરિવારને વળતર ચૂકવે એવી માંગ કરી હતી. જો વળતર ચુકવવામાં નહિ આવે તો આંદોલન કરવાની પણ ચિમકી આપી હતી.