Gujarat Farmers: ગુજરાતમાં વર્ષ 2025માં મગફળીનું મબલખ ઉત્પાદન થયા હોવાનો અંદાજ છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા મોટાઉપાડે જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી ખરીદી શરૂ કરાઈ નથી, પરિણામે ખેડૂતો નારાજ થયાં છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવી કે નહીં તે અંગે ખુદ સરકાર જ નિર્ણય લઈ શકી નથી. ત્યારે ભારતીય કિસાન સંઘે મોરચો માંડ્યો છે. એવી માંગ કરાઈ છે કે, રાજ્ય સરકારે ક્યારે ટેકાના ભાવે મગફળી ખરીદશે તે જાહેર કરે.
ખેડૂતો મૂંઝવણમાં મૂકાયાં
છેલ્લાં એકાદ બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો વિનાશ વેર્યો છે. પાછોતરા વરસાદે મગફળી અને કપાસને પણ ખૂબ નુકશાન પહોંચાડ્યું છે. ખેડૂતોની ચાર મહિનાની અથાગ મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું છે. ખેતરોમાં મગફળીના પાથરાં પલડી જતાં ખેડૂતોને જાણે મોંમાંથી કોળિયો છીનવાયો છે. હવે જ્યાં સુધી મગફળી સુકાય નહીં ત્યાં સુધી વેચી શકાય નહીં. આ ઉપરાંત વરસાદી પાણીમાં ભીંજાયેલી મગફળીને વેપારી ખરીદે તેમ નથી. પાછોતરા વરસાદે ખેડૂતોને આર્થિક નુકશાન કર્યું છે. આ જોતાં વળતરની માંગ ઊઠી છે.
બીજી તરફ રાજ્ય સરકારે હજુ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી નથી, જેના કારણે ખેડૂતો રોષે ભરાયાં છે. ભારતીય કિસાન સંઘના પ્રતિનીધીમંડળે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને આવેદન પત્ર પાઠવી એવો આક્ષેપ કર્યો છે કે, રાજ્ય સરકારની અનિર્ણયાકતાને કારણે ખેડૂતો મૂંઝવણમાં મૂકાયાં છે. એવો સવાલ કરાયો છે કે, રજીસ્ટ્રેશનની મુદત પૂર્ણ થઈ છે તેમ છતાંય ખરીદી શરૂ કરાઈ નથી. આ વખતે ગુજરાતમાં કુલ મળીને 9.31 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.
આ પણ વાંચો: વાદલડી વરસી રે… ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી, 5 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ
કિસાન સંઘે માંગ કરી છે કે, ગત વર્ષે 12 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી. આ વખતે જ્યારે રાજ્યમાં 66 લાખ મેટ્રિક ટન મગફળીનુ ઉત્પાદન થવાનો અંદાજ છે, ત્યારે રાજ્ય સરકાર વધુમાં વધુ મગફળીની ખરીદી કરે જેથી ખેડૂતોની દિવાળી બગડે નહીં. રાજ્ય સરકારે હજુ સુધી એ જાહેર કર્યું નથી કે, ખેડૂતો પાસેથી કેટલી મગફળીની ખરીદી કરાશે. આમ ટેકાના ભાવે મગફળી ખરીદવા મુદ્દે સરકાર હજુ સુધી અનિર્ણિત રહેતાં ખેડૂતોની મૂંઝવણ વધી છે.