![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના પેઈન્ટિંગ વિભાગમાં અભ્યાસ કરતી મૂળ વલસાડની વિદ્યાર્થિની કાજલ ચૌધરીનું વીજ કરંટ લાગવાથી મોત થયા બાદ સમગ્ર ફેકલ્ટીમાં ઘેરા શોકની લાગણી છે.ગઈકાલે સોમવારે આ વિદ્યાર્થિની પેઈન્ટિંગ વિભાગમાં ઈલેક્ટ્રિક ગિઝર દ્વારા પાણી ગરમ કરી રહી હતી.પાણી ગરમ થયું કે નહીં તે જાણવા માટે તેણે પાણીમાં હાથ નાંખ્યો હતો અને કરંટ લાગવાથી તેનું મોત થયું હતું.
વિદ્યાર્થિનીના મોતના પગલે ફેકલ્ટીમાં તા.૧ ઓકટોબરના રોજ શિક્ષણ કાર્ય અને ગરબા બંધ રાખવાની પણ જાહેરાત કરી છે.ફાઈન આર્ટસના ગરબા આજે પણ બંધ રહ્યા હતા.સાથે સાથે ફેકલ્ટીમાં દશેરાની ઉજવણી પણ રદ કરી દેવાઈ છે.દરમિયાન વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ કહ્યું હતું કે, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.આ માટે એક તપાસ કમિટીની રચના કરાશે.બીજી તરફ એબીવીપીના વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ડીન પ્રો.અંબિકા પટેલનો ઘેરાવો કર્યો હતો અને સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણવા માટે સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માગ કરી હતી.હેડ ઓફિસ ખાતે પણ વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.એ પછી તેમણે વીસીની ઓફિસમાં ધરણા કર્યા હતા.










