ગેનીબેન ઠાકોર વિરૂદ્ધની પોસ્ટથી કોંગ્રેસ રસ્તા પર ઉતરી
ચક્કાજામને પગલે ટ્રાફિકજામ સર્જાયો : પોસ્ટ મૂકનાર યુવક સામે કડક કાર્યવાહી કરવાની માંગ : ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી
સુરેન્દ્રનગર: પાટડી તાલુકાના નવરંગપુરા ગામના યુવાન ચિંતન મહેતાની ફેસબુક પોસ્ટને કારણે કોંગ્રેસ અને ઠાકોર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ચિંતન મહેતાએ ફેસબુક એકાઉન્ટ પરથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. આ પોસ્ટ વાઈરલ થતાં ઠાકોર સમાજ લાલઘૂમ બની ગયો હતો. પાટડી ચાર રસ્તા પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સમાજના આગેવાનો સહિતનાઓએ ચક્કાજામ કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા પૂર્વ ધારાસભ્ય સહિત ૨૦થી વધુ લોકોની અટકાયત કરી.
નવરંગપુરા ગામના ચિંતન મહેતાએ પોતાના ‘સી.એમ. સરકાર’ નામના ફેસબુક એકાઉન્ટ પરથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ વક્ફ બોર્ડ સંશોધન બિલના સંદર્ભમાં વિવાદિત ટિપ્પણી કરી હતી. જેમા તેણે હિન્નકક્ષાની ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાને પગલે પાટડી ચાર રસ્તા પાસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત ઠાકોર સમાજના આગેવાનોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. ચક્કાજામને પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસે સ્થળ પર પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ લોકોમાં વિરોધ યથાવત જોવા મળ્યો હતો જ્યારે પોલીસે ચક્કાજામ કરી રહેલા લોકો પૈકી પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત ૨૦થી વ્યક્તિઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. વિરોધ કરી રહેલા આગેવાનોએ પોસ્ટ મુકનાર ચિંતન મહેતા સામે કડક કાર્યવાહી કરી જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. કોંગ્રેસના લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરૂધ્ધ અપમાનજનક પોસ્ટ મુકનાર યુવક ચિંતન મહેતા વિરૂધ્ધ કઠાડા ગામના નટુજી પ્રભુજી ઠાકોરે સાયબર હેઠળ ગુનોે નોંધાવી આ મામલે પાટડી પોલીસ મથકે પણ લેખીત અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો આ અંગે યોગ્ય પગલા ભરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી.
– યુવકે પોસ્ટ ડિલીટ કરી, માફી માંગી
વિવાદ વકરતા ચિંતન મહેતાએ પોતાની વિવાદાસ્પદ પોસ્ટ ડિલિટ કરી અને ફેસબુક પર વીડિયો જાહેર કરીને ઠાકોર સમાજ અને સાંસદ ગેનીબેન ઠાકોરની માફી માંગી હતી. ચિંતન મહેતાએ જણાવ્યું કે, તેની ટિપ્પણીથી લાગણીઓને ઠેસ પહોંચી છે અને તે આ માટે ખેદ વ્યક્ત કરે છે.