વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના આર્કિટેકચર વિભાગને સત્તાધીશોએ ફેકલ્ટીનો દરજ્જો આપવાની તાજેતરમાં જાહેરાત કરી હતી.આમ આર્કિટેકચર ફેકલ્ટી હવે યુનિવર્સિટીની પંદરમી ફેકલ્ટી બની છે પરંતુ કદાચ આ એક માત્ર એવી ફેકલ્ટી છે જેની પાસે એક જ કાયમી અધ્યાપક છે.
૨૦૧૯ પછી કાયમી અધ્યાપકોની ભરતી પર વાગેલી બ્રેકના કારણે આર્કિટેકચર ફેકલ્ટીમાં કાયમી અધ્યાપકો રહ્યા જ નથી.એક માત્ર હેડને બાદ કરતા બાકીના તમામ ૧૦ અધ્યાપકો હંગામી છે.દર વર્ષે કોન્ટ્રાક્ટ પર હંગામી અધ્યાપકોની ભરતી કરવામાં આવે છે.
આ પહેલા આર્કિટેકચર વિભાગ ટેકનોલોજી ફેકલ્ટી સાથે સંલગ્ન હતો.તેના વિદ્યાર્થીઓને ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ગણવામાં આવતા હતા.હકીકતમાં આર્કિટેકચર વિભાગની કામગીરીને ટેકનોલોજી ફેકલ્ટી સાથે લેવા દેવા નહોતી.જેથી તેને ફેકલ્ટીનો દરજ્જો આપવાની માગ લાંબા સમયથી થઈ રહી હતી.જોકે આ માગણી પૂર્ણ થઈ છે પરંતુ કાયમી અધ્યાપકોના અભાવે ફેકલ્ટીનો દરજ્જો મળ્યા બાદ પણ આર્કિટેકચર વિભાગને મુશ્કેલી પડશે.
સૂત્રોનું કહેવું છે કે, આ વિભાગને વહેલી તકે કાયમી અધ્યાપકોની જરુર છે.જેથી વિદ્યાર્થીઓના પીએચડી, સંશોધન અને અન્ય શૈક્ષણિક કામગીરીઓને વેગ મળી શકે.અત્યારે ટેકનોલોજી ફેકલ્ટીના ડીનને આ ફેકલ્ટીના ડીનનો પણ ચાર્જ આપવામાં આવ્યો છે.