Stock Market Crash: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદથી વિશ્વભરના સ્ટોક માર્કેટ, કોમોડિટી માર્કેટ, ફોરેક્સ માર્કેટમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે ડાઉ જોન્સ 1679.39 પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો. જે કોવિડ મહામારી (16 માર્ચ, 2020) બાદનો સૌથી મોટો કડાકો છે. નાસડેક પણ 1050.44 પોઇન્ટ તૂટ્યો હતો.
સેન્સેક્સ 1035 પોઇન્ટ ડાઉન
વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ભીતિ વચ્ચે સેન્સેક્સ 1054.81 પોઇન્ટ તૂટી 75240.55ના ઇન્ટ્રા ડે તળિયે પહોંચ્યો હતો. સેન્સેક્સ પેકમાં માત્ર આઠ શેરમાં જ 1.42 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે અન્ય 22માં 8 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. ટાટા સ્ટીલ 8.01 ટકા, ટાટા મોટર્સ 6.62 ટકા, એલએન્ડટી 4.80 ટકા, અદાણી પોર્ટ્સ 4.46 ટકા અને ઇન્ડસઇન્ડ બૅન્ક 4.28 ટકાના કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી 50 પણ આજે 23000નું લેવલ તોડી 22857.45ના લૉ લેવલે પહોંચ્યો હતો. જે 361.45 પોઇન્ટ તૂટી 22888.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સ્મોલકેપ શેર્સમાં રોકાણકારો રોયા
શેરબજાર કડડભૂસ થતાં સૌથી વધુ નુકસાન સ્મોલકેપના રોકાણકારોને થયું છે. સ્મોલકેપ ઇન્ડેક્સ આજે 1789.05 પોઇન્ટથી વધુ ગગડ્યો હતો. સ્મોલકેપ શેર્સમાં આજે 20 ટકા સુધીનું ગાબડું જોવા મળ્યું હતું. બીએસઈ સ્મોલકેપમાં સામેલ માત્ર 57 શેર જ સુધર્યા હતા. જ્યારે 918 રેડઝોનમાં બંધ રહ્યા હતાં. મિડકેપ ઇન્ડેક્સ પણ 1400થી વધુ પોઇન્ટ તૂટ્યો હતો.
શેરબજારમાં કડાકા પાછળ જવાબદાર પરિબળ
ગ્લોબલ ટ્રેડ વૉરનો ભયઃ ટ્રમ્પના નવા ટેરિફ બાદ ચીન અને કેનેડાએ જવાબી કાર્યવાહી હાથ ધરી છે. જેનાથી વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરની ભીતિ વધી છે. ભારતે હજી સુધી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા આપી નથી. ટ્રમ્પના ટેરિફથી મંદી વધવાની શક્યતાને ધ્યાનમાં લેતાં રોકાણકારો હાલ સાવચેત બન્યા છે.
સેક્ટોરલ પ્રેશરઃ ફાર્મા સ્ટોક્સ, આઇટી શેર અને ઓટો શેર પર પ્રેશર જોવા મળ્યું છે. એનર્જી ઇન્ડેક્સ 3.94 ટકા, હેલ્થકેપ 3.39 ટકા, આઇટી 3.77 ટકા, ઓટો 2.95 ટકા, કેપિટલ ગુડ્સ 4.33 ટકા, મેટલ 6.43 ટકા, ઓઇલ એન્ડ ગેસ 4.22 ટકા, પાવર 3.26 ટકા, રિયાલ્ટી ઇન્ડેક્સ 4.15 ટકા તૂટ્યો છે. આ તમામ સેક્ટર્સ પર ટ્રમ્પના ટેરિફની અસર થવાની છે.
મોંઘવારી વધવાની સંભાવનાઃ અમેરિકામાં ફુગાવો વધી શકે છે. કારણકે, બીજા દેશમાંથી આવતો સામાન હવે વધુ મોંઘો બની શકે છે. જેનાથી મોંઘવારી વધશે. ડૉલર ઇન્ડેક્સ પણ ગગડ્યો છે. જે અમેરિકાની અર્થવ્યવસ્થા માટે સારા સંકેત આપતા નથી.
કેમ વધી રહ્યું છે મંદીનું જોખમ
ટ્રમ્પના ટેરિફ બાદ વૈશ્વિક બજારોમાં ફુગાવો વધશે. જેનાથી મંદીનું જોખમ પણ વધશે. ડોયશે બૅન્કના અર્થશાસ્ત્રી બ્રેટ રયાને જણાવ્યું હતું કે, ટ્રમ્પના ટેરિફથી આ વર્ષે અમેરિકાના જીડીપીમાં 1-1.5 ટકા સુધીનો ઘટાડો નોંધાશે. જેનાથી મંદીનું જોખમ વધશે. ભારતમાં હાલ આ પ્રકારનું કોઈ સંકટ જોવા મળ્યું નથી.