![]()
ભાજપ કાર્યાલયનાં કોર્પોરેટ ઓફિસ જેવાં બાંધકામ રેકર્ડ પર ખુલ્લા પ્લોટ : દર વર્ષે હજારો રૂપિયાના ટેક્સની ચોરી : જિલ્લા કાર્યાલયને 7 વર્ષ, શહેરનાં કાર્યાલયને 2 વર્ષ થયા છતાં બાંધકામની આકારણી નથી થતી
જૂનાગઢ,: જૂનાગઢમાં ભાજપનાં બે કાર્યાલય છે. આ પૈકી શહેર કાર્યાલયનું નામ ગિરનાર કમલમ, જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલયનું નામ દીન દયાળ ભવન છે. આ બંને કાર્યાલયનાં બાંધકામ કોર્પોરેટ ઓફિસથી પણ સારા છે પરંતુ મહાનગરપાલિકાને આ બાંધકામ જાણે કે હજુ સુધી ધ્યાનમાં આવતા જ નથી. આટલા મોટા બાંધકામ હોવા છતાં બંને કાર્યાલયનો માત્ર ખુલ્લા પ્લોટનો જ ટેક્સ ભરાય છે અને મનપા દ્વારા આ બાંધકામની વર્ષોથી આકરાણી પણ થતી નથી. બંને કાર્યાલય મનપાના રેકર્ડ પર ખુલ્લા પ્લોટ બોલે છે. હાલ કોંગ્રેસે વોટ ચોરી મુદ્દે આંદોલન છેડયું છે ત્યારે જૂનાગઢમાં તો ભાજપ વેરા ચોર પણ નીકળ્યાની શંકા ચર્ચાઈ રહી છે.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય સામે થોડા સમય પહેલા ખુદ ભાજપના જ નેતા જવાહર ચાવડાએ ગેરકાયદેસર બાંધકામ અંગેના આક્ષેપો કર્યા હતા. વર્ષ 2017માં આ કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું ત્યારથી હજુ સુધી તેને બીયુ સર્ટી મળ્યું નથી. આ ઉપરાંત માર્જીનની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે શહેર ભાજપ કાર્યાલયને પણ બીયુ સર્ટી ન હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. શહેર ભાજપ કાર્યાલયને બે વર્ષ પહેલા ખુલ્લું મુકવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ કાર્યાલયને આઠ વર્ષ થયા છે છતાં પણ આ બંને કાર્યાલયના બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ નિયમ મુજબ તેનો ટેક્ષ ભરવામાં આવતો નથી. હજુ આ બંને સ્થળના ખુલ્લા પ્લોટનો જ ટેક્ષ ભરવામાં આવે છે.
આ બંને બિલ્ડીંગોના બાંધકામ મુજબ ટેક્ષની આકરાણી થાય તો વાર્ષિક 70,000થી 1 લાખ રૂપિયા જેટલો ટેક્ષ ભરવો પડે તેમ છે. આ ટેક્ષ ભરવો ન પડે તે માટે બાંધકામ પૂર્ણ થઈ ગયું તેવું દર્શાવાતું નથી અને મનપાના ધ્યાનમાં પણ આવતું નથી. જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા 70,000 લેખે 7 વર્ષના 4,90,000 અને શહેર ભાજપ કાર્યાલયના 70,000 લેખે બે વર્ષના 1,40,000 વેરો ભરવામાં આવતો નથી. સામાન્ય લોકો પર કડક ઉઘરાણી અને વેરા વસૂલાત માટે ધોકા પછાડતું મનપાનું તંત્ર ભાજપ કાર્યાલય માટે ધૃતરાષ્ટ્ર બની ગયું હોય તેમ આટલા વર્ષો બાદ પણ મનપાના અધિકારીઓને શહેર અને જિલ્લા ભાજપનું બાંધકામ ધ્યાનમાં આવતું નથી. સત્તાધારી ભાજપ માટે અને સામાન્ય લોકો માટે મનપામાં કાયદાના ત્રાજવા અલગ-અલગ હોવાનું વધુ એકવાર સામે આવ્યું છે.
ખુલ્લા પ્લોટ તરીકેનો ટેક્સ પણ ચડત છે
શહેર ભાજપ કાર્યાલય 1173 મીટર જગ્યા પર ઉભું છે જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલય 1225 મીટર જગ્યા પર ખડકાયું છે. જિલ્લા ભાજપ કાર્યાલયનો 2 વર્ષનો ખુલ્લા પ્લોટનો પણ 12,692 રૂપિયા ટેક્સ ભરવામાં આવ્યો નથી. જ્યારે શહેર ભાજપ કાર્યાલયની ખુલ્લા પ્લોટની જગ્યાનો પણ 5934 રૂપિયાનો ટેક્સ બાકી છે.










