Air Force plane crashes near Jamnagar : દેશના વીર સપૂત અને ભારતીય વાયુસેનાના પાયલોટ સિદ્ધાર્થ યાદવના પાર્થિવ દેહને શુક્રવારે હરિયાણાના રેવાડી જિલ્લામાં પહોંચાડ્યો હતો. પાર્થિવ દેહ જેવો તેમના આવાસ સેક્ટર 18માં પહોંચ્યો ત્યારે માહોલ ગમગીન થઈ ગયો હતો. આ દરમિયાન ‘સિદ્ધાર્થ યાદવ અમર રહો’ ના નારા સાથે તેમના પરિજનો, સ્થાનિક લોકો અને પૂર્વ સૈનિકોએ આંખોમાં આસું સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો : યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા
વિમાનને વસ્તીથી દૂર ગીચ જંગલમાં લઈ ગયા…
તમને જણાવી દઈએ કે, બુધવારે ગુજરાતના જામનગરમાં વાયુસેનાનું એક જગુઆર ફાઈટર પ્લેન ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા. દુર્ઘટના પહેલા તેમણે તેમના સાથીને સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે સમય આપ્યો હતો અને વિમાનને વસ્તીથી દૂર ગીચ જંગલમાં લઈ ગયા હતા, જેથી કરીને અન્ય વધુ લોકોની જીવ બચી શકે.
સિદ્ધાર્થ યાદવની માત્ર 10 દિવસ પહેલા જ સગાઈ થઈ
નોંધનીય છે કે, સિદ્ધાર્થ યાદવની માત્ર 10 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી અને ચાર દિવસ પહેલા જ ડ્યૂટી પર પરત ફર્યા હતા. તેઓ તેમના માતા-પિતાના એક માત્ર સંતાન હતા. શહીદનો પાર્થિવ દેહ સૌથી પહેલા તેમના નિવાસ સ્થાન સેક્ટર 18માં લાવવામાં આવ્યો હતો. ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. અને એ પછી પૂરા માનસમ્માન સાથે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ પાર્થિવ દેહને તેના વતન ભાલકી ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યા સૈનિકોએ સમ્માન સાથે અંતિમ સંસ્કાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના જામનગરમાં બુધવારના રોજ આશરે 9.30 વાગ્યે એરફોર્સનું જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. વિમાને જામનગર એરફોર્સ સ્ટેશનેથી ઉડાન ભરી હતી. દુર્ઘટનામાં પાયલોટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા જ્યારે તેમના સાથી મનોજ કુમાર સિંહ ઘાયલ હાલતમાં હોસ્પિટલ ભરતી કરાયા હતા.
માતા-પિતાના એક માત્ર સંતાન હતા
28 વર્ષીય સિદ્ધાર્થની 23 માર્ચ 2025ના રોજ સગાઈ થઈ હતી. તેઓ માતા-પિતાના એક માત્ર સંતાન હતા. એ પછી તેઓ 31 માર્ચના રોજ રજા ગાળીને રેવાડીથી જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે રેવાડીમાં આ ઘટનાના સમાચાર મળ્યા ત્યારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ પણ વાંચો : તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક, છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ ટિકિટ વેચાણ
સિદ્ધાર્થના પિતા પણ એરફોર્સમાં હતા
સિદ્ધાર્થના પરદાદા બંગાળમાં એન્જિનિયર્સમાં કાર્યરત હતા, તેમના પિતા પણ એરફોર્સમાં હતા. હાલમાં તેઓ LICમાં કાર્યરત છે. સિદ્ધાર્થે વર્ષ 2016માં NDAની પરીક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ 3 વર્ષનું પ્રશિક્ષણ લઈને પાયલોટ તરીકે વાયુસેનામાં જોડાયા હતા. તેમને બે વર્ષ પછી પ્રમોશન પણ મળ્યું હતું, તે પછી તેઓ ફ્લાઇટ લેફ્ટનેન્ટ બન્યા હતા.