![]()
શેરબજારમાં મોટી કમાણી અને નફો મેળવવાની લાલચે નાણાં રોક્યા : રિલ્સમાં આવેલી લિન્ક ખોલતાં વ્હોટસએપ ગૃપમાં જોડાઈ ગયા પછી સંચાલકે અને એના પત્નીના નામે જંગી રોકાણ કર્યું ને છેતરાયાઃ સાયબર સેલમાં ફરિયાદ
ગોંડલ, : ગોંડલમાં ભોજરાજપરા મારવાડી મિલ વિસ્તારમાં રહેતા અને ચોરડી દરવાજા પાસે મેડિકલ સ્ટોર ધરાવતા એક ફાર્માસિસ્ટની સાથે શેરબજારમાં મોટી રકમ કમાવા અને મોટો નફો કમાવાની લાલચ આપી એક યુવતીએ જુદા જુદા સમયે નાણાં રોકાણ કરાવીને રૂ. 1 કરોડની છેતરપિંડી કરતા મામલો સાયબર ક્રાઈમ પોલીસમાં પહોંચ્યો છે.
મારવાડી મિલ કમ્પાઉન્ડમાં રહેતા ચંદ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ સખિયા સૂરજ મેડિકલ સ્ટોર નામની દવાની દુકાન ધરાવે છે. તેઓ સોસ્યલ મીડિયામાં જુદી જુદી રિલ્સ જોતા હતા એ વખતે શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કમાવાની તક આપતી એક રિલ્સ આવતા તેને રસ પડયો હતો. આથી આ રિલ્સ તેણે વારંવાર જોઈ હતી. તેણે રિલ્સ પર ક્લિક કરતા એક અજાણ્યા વ્હોટસએપ ગૃપમાં જોઈન્ટ કરાયા હતા અને એમાં મળેલી સુચના મુજબ ક્રિતિકા જોશી નામની મહિલાનો સંપર્ક કરતા તેણે એક લિન્ક મોકલી હતી. એ લિન્ક સાથે રિપ્રેઝન્ટેટિવ કોડ પણ મોકલ્યો હતો. આથી આ લિન્ક ખૂલતાં તેમાં રહેલા ફોર્મમાં મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, પાનકાર્ડ નંબરની વિગતો તથા તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરી ફોર્મ સબમિટ કર્યુુ હતું. એ પછી ગૃપમાં અપાતી માહિતી મુજબ ટ્રેડિંગ ચાલુ કર્યું હતું. જેમાં તેના અને તેના પત્નીના નામના રૂપિયા 1.01 કરોડ રોકયા હતા. એ પછી બોગસ રાજીલ મહેતાએ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે ઓળખ આપી લોભામણી સ્કીમો આપી હતી. જો પૈસા ન ભરો તો તમારો ક્રેડિટ સ્કોર ઓછો થશે અને ભવિષ્યમાં આઈપીઓ તથા શેર નહીં લાગે એમ કહીને વધુને વધુ રોકાણ કરવા મજબૂર કર્યા હતા. આ પછી ચંદ્રકાંતભાઈને છેતરાયાનો અહેસાસ થતાં તેણે ઓનલાઈન સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરતા ટીમે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.










