![]()
મુંબઈ : નિકાસ તથા વેપાર પ્રવૃત્તિ મંદ પડવા સાથે માગમાં ઘટાડો નોંધાતા સપ્ટેમ્બરમાં દેશનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ઓગસ્ટની સરખામણીએ નીચો રહ્યો છે.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાતા એચએસબીસી પીએમઆઈ જે ઓગસ્ટમાં ૬૨.૯૦ રહ્યો હતો તે ગત મહિને ઘટી ૬૦.૯૦ રહેવા પામ્યો છે. જો કે સપ્ટેમ્બરમાં સતત ચોથા મહિને પીએમઆઈ ૬૦ની ઉપર રહેવા પામ્યો છે. ઓગસ્ટનો ઈન્ડેકસ પંદર વર્ષની ટોચે રહ્યો હતો.
૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. સપ્ટેમ્બરમાં દેશના સેવા ક્ષેત્રમાં કામકાજની સ્થિતિ સાનુકૂળ રહી હતી. જો કે નવા ઓર્ડરો, નિકાસ, રોજગાર તથા વેપાર પ્રવૃત્તિ ઓગસ્ટ મહિનાથી ધીમી પડી રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
અમેરિકા દ્વારા ઓગસ્ટથી લાગુ કરાયેલ ટેરિફ છતાં, સેવા ક્ષેત્રની વૃદ્ધિની ગતિમાં મોટો ફરક પડયો હોય તેવું જોવા મળતું નથી.
સેવા ક્ષેત્રમાં ભાવિ પ્રવૃત્તિના સંકેત આપતો ઈન્ડેકસ માર્ચ બાદ ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. જે સેવા પૂરી પાડતી કંપનીઓમાં વેપાર ભાવિને લઈને આશાવાદ મજબૂત હોવાના સંકેત આપે છે, એમ પણ રિપોર્ટમાં જણાવાયું છે.
સેવા પૂરી પાડતી ભારતીય કંપનીઓ પાસેથી આંતરરાષ્ટ્રીય માગમાં સુધારો ધીમો પડયો છે. બહારી વેચાણમાં વધારો થયો છે ખરો પરંતુ તેનો વૃદ્ધિ દર માર્ચ બાદની નીચી સપાટીએ રહ્યો છે. સેવા માટેના દર અન્ય દેશો સામે સ્પર્ધાત્મક નહીં રહેતા ઓર્ડરમાં વૃદ્ધિ દર ધીમો રહેવા પામ્યો છે.
રોજગાર વૃદ્ધિ પણ નીચી જોવા મળી રહી છે. સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી પાંચ ટકા કરતા પણ ઓછી કંપનીઓએ ભરતી કરી હોવાનું નોંધાવ્યું હતું. આ અગાઉ ગયા સપ્તાહમાં જાહેર થયેલા ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ જે ઓગસ્ટમાં ૫૯.૩૦ હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૫૭.૭૦ રહ્યો હતો.










