![]()
મુંબઈ : વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૦૦૦ ડોલરની સપાટી પાર કરી ગયા બાદ ઊંચા મથાળે પ્રારંભમાં પ્રોફિટ બુકિંગ બાદ ભાવમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. અફરાતફરી વચ્ચે સોનુ ૪૦૦૦ ડોલરની ઉપર ટકી રહ્યું હતું. ચાંદીમાં પણ મોટી વધઘટ જોવા મળી રહી છે. વિશ્વબજારમાં ચાંદી પ્રથમ જ વખત પ૦ ડોલરને પાર જોવા મળી છે. અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ તથા પ્લેટિનમમાં સુધારો આગળ વધ્યો હતો. ઘરઆંગણે દિવાળી નિમિત્તે સ્ટોકિસ્ટોની માગ રહેતા સોનાચાંદીના ભાવ ઊંચા મુકાતા હતા. હમાસ અને ઈઝરાયલ યુદ્ધ અટકાવવા અંગેની ટ્રમ્પની શાંતિ યોજના કામ કરી રહી હોવાના અહેવાલે ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી.
દિવાળીને લઈને સ્ટોકિસ્ટો તથા ટ્રેડરોની સ્થાનિક માગ રહેતા મુંબઈ ઝવેરી બજારમાં સોનામાં સુધારો આગળ ધપ્યો હતો. ૯૯.૯૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ જીએસટી વગર રૂપિયા ૧,૨૨,૬૨૯ રહ્યા હતા જ્યારે જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૬,૩૦૭ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૧,૨૨,૧૩૮ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૫૯,૫૫૦ મુકાતા હતા.જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૬૪,૩૩૫ કવોટ થતા હતા.
અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા સાધારણ વધી રૂપિયા ૧,૨૭,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૧,૨૭,૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૬૦,૦૦૦ મુકાતા હતા. દિવાળી નિમિત્તે સ્થાનિકમાં સ્ટોકિસ્ટો તથા ટ્રેડરોની માગ રહેતા ભાવ ઊંચા બોલાતા હતા.
વિશ્વ બજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ સોનાના ઔંસ દીઠ ભાવ નીચામાં ૪૦૦૧ ડોલર થઈ છેવટે ઉપરમાં ૪૦૫૭ ડોલર થઈ મોડી સાંજે ૪૦૫૪ ડોલર મુકાતુ હતું. ચાંદી પ્રતિ ઔંસ નીચામાં ૪૮.૪૦ ડોલર અને ઉપરમાં ૫૧.૨૩ ડોલર થઈ મોડી સાંજે ૫૦.૫૦ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૬૮૫ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૪૯૫ ડોલર કવોટ થતા હતા.
હમાસ તથા ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની પહેલ થઈ રહ્યાના અહેવાલે ક્રુડ તેલ પ્રમાણમાં સ્થિર રહ્યું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૨.૭૩ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી પ્રતિ બેરલ ૬૬.૩૮ ડોલર મુકાતું હતું.









