![]()
પાલિકાના લિંબાયત ઝોનની એક સોસાયટીમાં ચોમાસા દરમિયાન જ એક પ્લોટ માલિકે બાંધકામ માટે ખાડો ખોદ્યો છે જેના કારણે બાજુની બિલ્ડીંગ નમી ગઈ છે. આ કિસ્સામાં ઝોન દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. વરસાદ પડતો હોય ત્યારે સાતેક ફૂટ જેટલો ખાડો બે મહિનાથી ખુલ્લો હોય ત્યારે કોણે અને ક્યારે તથા શા માટે પરવાનગી આપી તે તપાસની માગણી થઈ છે.
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં મદીના મસ્જિદ પાછળ શાસ્ત્રી ચોક સોસાયટી આવી છે. જેમાં લિબાયત જુની પોલીસ ચોકી આપી છે તેની બાજુમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી એક પ્લોટ માલિકે સાતેક ફુટ ઉંડો ખાડો ખોદ્યો છે. આ ખાડાના કારણે બાજુમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા બે માળની બિલ્ડીંગ બેથી અઢી ઈંચ જેટલી નમી ગઈ છે તેવી ફરિયાદ થઈ છે.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે ઝોનના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યો છે અને કહ્યું છે આ ગેરકાયદેસર બાંધકામ ના ખાડા ના કારણે સ્થળ પર કોઈ અઘટિત ઘટના ઘટે તો એના માટે જવાબદાર માલિક, કોન્ટ્રાક્ટર અને ઝોનલ ઓફિસર જવાબદાર રહેશે. હજી પણ વરસાદ પડી રહ્યો છે ત્યારે આ ખાડો ખોદવા માટે પાલિકા દ્વારા મંજુરી ક્યા અને કેવી રીતે આપવામા આવી તે તપાસનો વિષય છે. પાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે નમી પડેલ મિલકત ના સામાન્ય પરિવાર ઘર વિહોણા બની શકે છે તેવો ભય વ્યક્ત કર્યો છે.










