કારના નંબરના આધારે મેમો ફટકાર્યો
દસાડાના યુવકને આરટીઓનું કામ પડતા રૃા.૧૫,૦૦૦નો મેમો બાકી હોવાની જાણ થઇઃ તંત્રેને રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા હાલાકી
સુરેન્દ્રનગર – કારમાં હેલમેટ ન પહેરવા બદલ શંખેશ્વર પોલીસે ફટકાર્યો દંડ કટકરતા સોશિયલ મીડિયામાં કિસ્સો ખૂબ ચગ્યો છે. સુરેન્દ્રનગર આરટીઓ વિભાગ દ્વારા પણ તપાસ કર્યા વગર દંડની રકમ બાકી દર્શાવતા કાર ચાલકને હાલાકી વેઠવાની નોબત આવી છે.
દસાડા તાલુકાના આદરીયાણા ગામના વતની શોભરાજ ભગવાનભાઈ રથવી હાલ પાટણમાં રહે છે. તાજેતરમાં સુરેન્દ્રનગર આરટીઓ કચેરી દ્વારા કારનો હેલ્મેટ ન પહેર્યું હોય તેવો મેમો બાકી હોવાનું બહાર આવતા સમગ્ર પરિવાર મુંઝવણમાં મુકાઈ ગયો હતો અને કારનું આરટીઓને લગતું કામ હોવાથી હેલ્મેટનો મેમો બાકી હોવાની જાણ થઈ હતી.
જે મામલે તપાસ કરવામાં આવતા મેમો શંખેશ્વર પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો જે મેમામાં શોભરાજભાઈ પાસે કાર હોવા છતાં ટુ વ્હીલર દર્શાવવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેર્યું હોવાથી મેમો ફટકારવામાં આવ્યો હતો માત્ર આટલું જ નહીં પરંતુ આ મેમાની રકમ ભરપાઈ ન કરતા ચડીને રૃા.૧૫,૦૦૦ જેટલી થઈ ગઈ હોવાનું પણ બહાર આવ્યું હતું. આ મામલે ભોગ બનનારે સુરેન્દ્રનગર આરટીઓ કચેરીને લેખિત રજૂઆત કરવા છતાં ગેરકાયદેસર રીતે આપવામાં આવેલ દંડ મામલે કાર્યવાહી કરવામાં ન આવતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ શંખેશ્વર પોલીસની પણ બેદરકારી સામે આવી હતી. આમ એક ખેડૂત પરિવારને બેદરકારીના કારણે પડી રહેલ હાલાકીનું સુખદ નિરાકરણ લાવવામાં આવે તેવી પરિવાર દ્વારા માંગ ઉઠવા પામી છે.