– મનપાની ટીમની નિરસતાના કારણે
– શહેરમાં આડેધડ પાર્કિંગ અને લારીઓના ખડકલાથી ટ્રાફિકજામની સમસ્યા યથાવત્
આણંદ : આણંદ શહેરમાં અગાઉ દબાણો હટાવ્યા બાદ મનપાની નિરસતાના લીધે જૂના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ફરી દબાણો શરૂ થઈ ગયા છે. આડેધડ પાર્કિંગના લીધે પણ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા વકરી છે.
આણંદ મહાનગરપાલિકા ટેક્સની કામગીરીમાં વ્યસ્ત હોવાના લીધે શહેરમાં વિવિધ વિસ્તારોમાં દબાણો ફરી યથાવત્ થઈ જતા ટ્રાફિકજામની સમસ્યા શરૂ થઈ છે. મનપાની ટીમે શરૂઆતમાં જૂના બસ સ્ટેન્ડ, ટૂંકી ગલી, રેલવે સ્ટેશન, જૂની પોસ્ટ ઓફિસ, સિવિલ હોસ્પિટલ રોડ, લક્ષ્મી ચોકડી, અમૂલ ડેરી રોડ, વેરાઈ માતા શાક માર્કેટ, પોલસન રોડ સહિતના વિસ્તારમાં ઢોલ વગાડીને દબાણો દૂર કર્યા હતા.
ગયા મહિનાથી મનપાની ટીમની નિરસતાના કારણે હવે આણંદ શહેરના જૂના બસ સ્ટેન્ડ આસપાસ ફરી દબાણો થવા માંડયા છે. ટૂંકી ગલી પણ સાંજે દબાણોના કારણે હાઉસફૂલ થઈ જાય છે.
રેલવે સ્ટેશન વિસ્તારમાં ખાણી-પીણીની લારીઓના દબાણો થઈ જાય છે. જૂની પોસ્ટ ઓફિસ પાસે ફૂટપાથ પર દબાણો જ્યારે સિવિલ હોસ્પિટલ રોડ ઉપર ગાડીઓના પાર્કિંગને કારણે ફરી લોકોને હાલાકી પડી રહી છે.