ગાંધીનગર જિલ્લામાં ૧૪ દિવસ દરમિયાન
છેલ્લા બે દિવસમાં રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડેડ આઠ વાહનો સીઝ કરીને ૧૪.૩૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપરથી ગેરકાયદે સાદી રેતી સહિતના
ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા તત્વો સામે ભુસ્તર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં
આવી છે. છેલ્લા બે દિવસ દરમ્યાન જિલ્લાના હાઇવે માર્ગો ઉપર ચેકીંગ દરમ્યાન કુલ આઠ
જેટલા ડમ્પરો પકડવામાં આવ્યા છે. કુલ ૧૪.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
ત્યારે આ વાહનોના માલિકો સામે પણ દંડનીય કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અને
મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચનાથી જીલ્લામાં બિનઅધિકૃત ખનિજ ખનન અને
વાહનચાલન પર કડક નજર રાખવામાં આવી રહી છે. તા. ૧થી ૧૪ જુલાઈ દરમ્યાન ભુસ્તરતંત્રની
ટીમ દ્વારા સતત રોડ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૩૫ વાહનો અને મશીનો પકડવામાં આવ્યા અને
અંદાજિત રૃપિયા ૧૦ કરોડથી વધુનો મુદ્દામાલ
જપ્ત કરવામાં આવ્યો છે.ત્યારે માત્ર છેલ્લા બે દિવસની અંદર કુલ આઠ ડમ્પર વિના
રોયલ્ટી પાસ અથવા પાસ કરતા વધુ ખનિજ ભરેલા હોવાથી પકડવામાં આવ્યા છે. આ વાહનો પૈકી
કેટલાક વાહનો રોયલ્ટી પાસ વિના ખનિજ લઈ જઈ રહ્યા હતા, જ્યારે કેટલાકે
રોયલ્ટી પાસ કરતા વધુ માત્રામાં સાદી રેતી અને બ્લેકટ્રેપ ખનિજનો વહન કરતા હોવાનું
ચેકીંગ દરમ્યાન રોયલ્ટી ઇન્સ્પેક્ટરો તથા માઇન્સ સુપરવાઇઝરોને ધ્યાને આવ્યું હતુ.
જેના પગલે આ આઠ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે અને કુલ ૧૪.૩૬ લાખની દંડનીય કાર્યવાહી
કરવામાં આવી છે.કલેક્ટરના દિશાનિર્દેશ હેઠળ ભવિષ્યમાં પણ આવા બિનઅધિકૃત ખનન અને
વાહન ચલાવતાં સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવવાના સંકેતો પણ આપવામાં આવ્યા છે.