લોકસભા ચૂંટણી 2024 બાદથી ઈન્ડિયા ગઠબંધન વિખેરાયું નજરે પડ્યું હતું. દિલ્હીમાં થયેલી વિધાનસભા ચૂંટણી 2025માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. જો કે, રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે, 2027ની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન યથાવત્ રહેશે. તેમણે ભાર આપતા કહ્યું કે, 2027ની ચૂંટણી ઈન્ડિયા ગઠબંધનની સાથે લડીશું.
પ્રેસ કોન્ફરન્સમાં શું બોલ્યા અખિલેશ યાદવ?
અખિલેશ યાદવે આ સ્પષ્ટ કરી દીધું છે કે, 2027 ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઈન્ડિયા ગઠબંધન યથાવત્ રહેશે. PDA (પછાત, દલિત અને અલ્પસંખ્યક) મળીને ભાજપને સત્તાથી ઉખેડી ફેંકશે અને સમાજવાદીની સરકાર બનાવશે, જ્યાં સૌને ન્યાય મળશે.
વક્ફ કાયદા પર અખિલેશના કેન્દ્ર પર પ્રહાર
અખિલેશ યાદવે વક્ફ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ વક્ફ કાયદો લાવીને જમીન હડપવાની તૈયાર કરી લીધી છે. જ્યાં પણ જમીન જોવા મળે છે, ભાજપ કબજો કરી લે છે. આ પાર્ટી ભૂમાફિયા બની ગઈ છે. નોટબંધી અને જીએસટીના માધ્યમથી સરકારે લોકોના પૈસા છીનવી લીધા. સાથે જ અનામતના અધિકારો પણ ઘટાડ્યા.