Panchmahal News : ગુજરાતના પંચમહાલમાં ડેમમાં નહાવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, પાધોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઘોઘંબાના શામળકુવા પાસેના ડેમમાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન પાંચેય વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે રાજગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચ વિદ્યાર્થીઓ ડેમમાં ડૂબ્યા
મળતી માહિતી મુજબ, પંચમહાલમાં પાધોરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં પાંચ વિદ્યાર્થીઓ આજે શનિવારે (5 એપ્રિલ, 2025) ડેમમાં નહાવા ગયા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ ડેમના પાણીમાં ડૂબ્યા હતા. પાંચેય વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને તરતા આવડતું ન હોવાથી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર વિદ્યાર્થીઓને તરતા આવડતું હોવાથી તેમનો બચાવ થયો હતો.
આ પણ વાંચો: ગરમીને લઈને શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન: ખુલ્લામાં વર્ગો ન ચલાવવા-જરૂર પ્રમાણે શાળાનો સમય બદલવા સૂચના
એક વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત
હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓ આજે શનિવારે બપોરના સમયે નજીક આવેલા શામળકુવા ડેમમાં નહાવા ગયા હતા. આ દરમિયાન તેઓ ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં દુધાપુરા ગામનો રહેવાસી નીલેશ રમણભાઈ રાઠવા નામના ધોરણ 8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.