Waqf Bill: બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મુંબઈ નજીક થાણે જિલ્લાના ભિવંડીમાં એક સભાને સંબોધિત કરતા સમયે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સંસદમાં વક્ફ સુધારા બિલ પસાર થવાને સનાતન ધર્મ માટે ઐતિહાસિક અને ગર્વની ક્ષણ ગણાવી હતી. બાબા બાગેશ્વરે મંચ પરથી કહ્યું હતું કે, ‘દેશનું દુર્ભાગ્ય છે કે સંસદમાં વક્ફ સુધારા બિલની વિરુદ્ધમાં 200 થી વધુ મત પડ્યા, પરંતુ તેમ છતાં, બિલ પસાર થવું એ સનાતનીઓ માટે ગર્વની વાત છે. શાસ્ત્રીએ તેને સનાતન ધર્મને બચાવવા માટે લેવામાં આવેલું એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું.’
‘બિલ પસાર થવું એ સનાતનીઓ માટે ગર્વની વાત છે’
લોકોને સંબોધતા શાસ્ત્રીએ કહ્યું હતું, ‘આ દેશનું દુર્ભાગ્ય છે કે વક્ફ સુધારા બિલની વિરુદ્ધમાં 200 થી વધુ મત પડ્યા. વકફ બિલ પસાર થવું એ સનાતનીઓ માટે ગર્વની વાત છે. સનાતનને બચાવવા માટે આ બિલ પસાર કરવામાં આવ્યું છે. જ્યારે રામ મંદિર બનાવવાની વાત થતી હતી, ત્યારે ઘણા લોકો કહેતા હતા કે તે જમીન પર હોસ્પિટલ બનાવવી જોઈએ, શાળા બનાવવી જોઈએ, પરંતુ આજ સુધી કોઈ એવું કહેતું સાંભળવામાં આવ્યું નથી કે વક્ફ બોર્ડની જમીન પર હોસ્પિટલ કે શાળા બનાવવી જોઈએ. અમને ડર હતો કે વક્ફ લોકો તે જગ્યા પર દાવો કરી શકે છે જ્યાં મહારાજજીનું મંદિર બની રહ્યું છે.’
‘ઔરંગઝેબની કબર દૂર કરવા માટે પરિસ્થિતિ બનાવવામાં આવી રહી છે’
મહાભારતનું ઉદાહરણ આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું, ‘ભીડ કૌરવો સાથે હતી, પણ પાંડવો જીતી ગયા. કેટલાક લોકો કહી રહ્યા હતા કે વક્ફ બિલ વિરુદ્ધ એક મહાન એકતા છે અને જો તે પસાર થશે તો તેઓ રસ્તાઓ પર ઉતરશે. વિજય તેમનો છે જેમની સાથે ભગવાન કૃષ્ણ છે, અને કૃષ્ણ પાંડવો સાથે છે.’
ઔરંગઝેબનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ‘કેટલાક લોકો તેમને યાદ કરતા હતા, પરંતુ હવે તેમનું નામ ભૂંસી નાખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.’ બાબા બાગેશ્વરે એવો પણ દાવો કર્યો હતો કે ઔરંગઝેબની કબરને દૂર કરવા માટે પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.