વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતમાં વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. સુપર બેકરી ત્રણ રસ્તા પાસે સાયકલ સવાર વૃદ્ધને કાર ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.
શહેરના કિશનવાડી વિસ્તારના વીર ભગતસિંહ ચોક ખાતે રહેતા 62 વર્ષીય જેસીંગભાઇ પરમાર શાકભાજીની લારી ચલાવતા હતા. ગત શનિવારે રાત્રે 8 કલાકે તેઓ પોતાની સાઇકલ લઇ કામ અર્થે બહાર નીકળ્યા હતા. ત્યારબાદ નવ વાગ્યાની આસપાસ સુપર બેકરી ત્રણ રસ્તાથી કિશનવાડી તરફ વળાંક લેતા સમયે પુરપાટ ઝડપે ઘસી આવેલ કારે સાયકલ સવાર જેસીંગભાઇને અડફેટે લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબો હોય તેમને મૃત જાહેર કર્યા હતા. પુત્રીની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક મનોજ સુશીલ રસ્તોગી (રહે- ધ શાઇન હરણી સમા રીંગ રોડ સિગ્નસ સ્કુલની પાછળ ) વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.