સરકારે વક્ફના ધાર્મિક સ્વરૂપને બદલી નાખ્યું : અરજદારો
વક્ફની સંપત્તિનો ઉપયોગ મુસ્લિમોના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી માટે થવો જોઇએ, કેન્દ્ર કોઇ દખલ નહીં દે : નડ્ડા
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી દીધી છે. જેથી આ બિલ હવે કાયદામાં ફેરવાઇ ગયું છે અને સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી તેનો અમલ કરવામાં આવશે તે સાથે જ આ કાયદો આઝાદી પૂર્વેના મુસલમાન વક્ફ કાયદાનું સ્થાન લેશે. દરમિયાન વક્ફ કાયદામાં સરકારે કરેલા સુધારા સામે વધુ એક અરજી દાખલ કરાઇ છે.
આ વધુ એક અરજી કેરળના મુસ્લિમ સ્કોલર્સ અને મૌલવીઓના સંગઠન સમસ્થ કેરલા જમીયથુલ ઉલેમા દ્વારા કરવામાં આવી છે. જેમાં અરજદારોએ દાવો કર્યો છે કે સરકારે કાયદામાં સુધારા કરીને વક્ફના ધાર્મિક સ્વરૂપને જ બદલી નાખ્યું છે. સાથે જ તે વકફ બોર્ડના લોકશાહી ઢબે સંચાલનને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. રાજ્યો અને વકફ બોર્ડના જે અધિકારો છે તેને છીનવી લેવામાં આવ્યા છે. આ પહેલા સાંસદ અસાદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ દ્વારા પણ આ જ પ્રકારની અરજી કરાઇ છે. તેથી આ ત્રીજી અરજી દાખલ કરવામાં આવી છે.
આરજેડી, કોંગ્રેસ, ડીએમકે દ્વારા પણ અરજી કરવામાં આવી શકે છે જેને પગલે વક્ફ કાયદામાં સુધારાને લઇને હવે અનેક અરજીઓ સામે આવી રહી છે. ભાજપના ૪૫માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં પક્ષના હેડક્વાર્ટર પર એક કાર્યક્રમને સંબોધતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડ પર કન્ટ્રોલ કરવા નથી માગતી, પરંતુ તે ઇચ્છે છે કે વક્ફ કાયદા મુજબ ચાલે. જે પણ લોકો વક્ફનો વહીવટ સંભાળે છે તેઓ કાયદા મુજબ બધી કામગીરી સંભાળે. વક્ફ બોર્ડની સંપત્તિનો ઉપયોગ મુસ્લિમ સમાજના લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી વગેરે ક્ષેત્રોમાં થવો જોઇએ. કાર્યક્રમને સંબોધતા પહેલા નડ્ડાએ કાર્યાલય પર ભાજપનો ઝંડો લહેરાવ્યો હતો.