![]()
– બિહારમાં 65 લાખથી વધુ લોકોનાં મત કાપી નાખવામાં આવ્યા
– વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર વિપક્ષ પર દેશનું અપમાન કરવાનો આરોપ મૂકે છે : કોંગ્રેસ મહાસચિવ
સહરસા/લખીસરાય : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા સોમવારે જણાવ્યું હતું કે તેમણે અલગથી એક અપમાન મંત્રાલયની રચના કરવી જોઇએ જેથી વિપક્ષ પર વારંવાર અપમાનનો આરોપ લગાવવામાં તેમનો સમય વેડફાય નહીં. તેમણે બિહારનાં સહરસા અને લખીસરાયમાં ચૂંટણી સભાઓને સંબોધતા મહિલાઓને અપીલ કરી હતી કે તે રાજ્ય સરકાર પાસે ૧૦ હજાર રૂપિયા લઇ લે પણ વોટ કોઇ પણ સંજોગોમાં એનડીએને ન આપે કારણકે આ સરકારની નિયત સાફ નથી અને દસ હજાર રૂપિયા રાજકીય લાંચ છે.
પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે બિહારમાં કોઇ ડબલ એન્જિનવાળી સરકાર નથી પણ સિંગલ એન્જિનવાળી સરકાર છે અને તે વડાપ્રધાન મોદી ચલાવી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ગૃહપ્રધાન હંમેશા ભૂતકાળની વાતો કરે છે. આ લોકો હંમેશા ક્યાંકને ક્યાંકથી અપમાનની વાત કાઢી લાવે છે. કર્ણાટકમાં ગયા તો જણાવ્યું કે વિપક્ષે કર્ણાટકનું અપમાન કર્યુ છે.
પશ્ચિમ બંગાળમાં ગયા તો ત્યાંનાં અપમાન વાત કરી હતી. બિહારમાં કહી રહ્યાં છે કે વિપક્ષ બિહારનું અપમાન કરી રહ્યું છે.
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે મારી સલાહ છે કે વડાપ્રધાન એક નવા મંત્રાલયની રચના કરે અને તેનંિ નામ અપમાન મંત્રાલય રાખે જેથી તેમનો સમય વેડફાય નહીં.
ગાંધીએ દાવો કર્યો છે કે બિહારમાં ૬૫ લાખથી વધુ લોેકોનાં મત કાપી નાખવામાં આવ્યા છે જેનો અર્થ થાય છે કે તેમના અધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. વોટ પ્રજાને અનેક અધિકાર આપે છે જો આ અધિકાર જ છીનવાઇ જશે તો તમારી પાસે કશું પણ બાકી રહેશે નહીં. વોટ ચોરી પ્રજા વિરુદ્ધ મોટુ કાવતરું છે. નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર બિહાર ચૂંટણીનાં એક સપ્તાહ પહેલા મહિલાઓને દસ હજાર રૂપિયા આપવાની વાત કરે છે. આ દસ હજાર રૂપિયા ૨૦ વર્ષથી કેમ આપવામાં આવ્યા નહીં?
બિહારમાં દલિતો, પછાતો, લઘુમતીઓ અને મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. સમસ્તીપુરનાં રોસમાં આયોજિત પ્રિયંકા ગાંધીનાં રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.










