Vapi News : ગાંધીના ગુજરાતમાં નાથુરામ ગોડસેના પોસ્ટર લાગ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. વાપીમાં જાહેર માર્ગ પર નાથુરામ ગોડસેના પોસ્ટર લાગ્યા હતા. શ્રી રામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા આ બેનર્સ લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ દેશ બચાવી ગયા નાથુરામ’ના નારા લખવામાં આવ્યા હતા.
વાપીમાં નાથુરામ ગોડસેના પોસ્ટર લગાવાતા વિવાદ
મળતી માહિતી મુજબ, ગાંધીજીની ગોળી મારીને હત્યા કરનારા નાથુરામ ગોડસેના ગુજરાતના જાહેર રસ્તા પર બેનર્સ લગાવવામાં આવ્યા હતા. વાપીમાં ગઈકાલે 6 એપ્રિલના રોજ શ્રી રામ શોભાયાત્રા સમિતિ આયોજિત એક કાર્યક્રમને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં નાથુરામના બેનર્સ લગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત
જાહેર રસ્તાઓ પર લગાવેલા બેનરના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ મામલે કોંગ્રેસે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન પોસ્ટર લગાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે માગ કરી હતી. નાથુરામ ગોડસેના પોસ્ટર વિવાદને લઈને રાજકારણ પણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે.