Farooq Abdullah Statement on Waqf Act: નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ વક્ફ કાયદા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. સોમવારે (7 એપ્રિલ) તેમણે કહ્યું હતું કે, ‘નેશનલ કોન્ફરન્સ આ બિલ વિરુદ્ધ છે. અનેક પક્ષ હાલ સુપ્રીમ કોર્ટ છે એટલા માટે સ્પીકરે (જમ્મુ-કાશ્મીર) ડિબેટ ન થવા દીધી. કારણ કે મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ ન્યાય કરશે.’ ગાંદરબલમાં મીડિયાના સવાલોનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, ‘હું વક્ફ પર કોઈ સાથે વાત નહીં કરું. જે વાત કરવાની છે તે મુખ્યમંત્રી કરશે.’
જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો
સોમવારે (7 એપ્રિલ) જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વક્ફ કાયદાથી જોડાયેલા પ્રસ્તાવને ફગાવી દેવાયો. વિધાનસભાના સ્પીકર અબ્દુલ રહીમ રાથરે વક્ફ પર ચર્ચા માટે પ્રશ્નકાળ સ્થગિત પ્રસ્તાવને નામંજૂર કરી દીધો. આ પ્રસ્તાવ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય નજીર ગુરેજી અને તનવીર સાદિકે આપ્યો હતો. ત્યારબાદ ભારે હોબાળો થયો હતો. હોબાળો એટલો થયો કે બે વખત ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. ત્રીજી વખત સ્પીકરે દિવસભર માટે કાર્યવાહીને સ્થગિત કરી દીધી.
વક્ફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અનેક નેતા
જણાવી દઈએ કે, વક્ફ કાયદા વિરુદ્ધ કેટલાંક પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચી ચૂક્યા છે. જ્યાં બિહારના કિશનગંજના કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદ, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ સામેલ છે.