Congress Attack On PM Modi: પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે, ત્યારે આજે સોમવારે (7 એપ્રિલ, 2025) LPG ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ LPG ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે. એલપીજી ગેસમાં ભાવ વધારાને લઈને કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારની ટીકા કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યક્ષાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘તમારી સરકારે ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે.’
કોંગ્રેસના વડાપ્રધાન પર પ્રહાર
મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ લખ્યું કે, ‘વાહ મોદીજી વાહ! મે 2014ની તુલનાએ આંતરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં 41 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવાની જગ્યાએ તમારી લૂટારું સરકારે 2-2 રૂપિયા કેન્દ્રીય ઉત્પાદ ફી વધારવામાં આવી છે. ટેરિફ પોલિસી પર કુંભકરણીની ઊંઘને કારણે શેરબજારમાં નાના અને મોટા રોકાણકારોને એકસાથે 19 લાખ કરોડ રૂપિયાનું નુકસાન જોઈને તમને રાહત નહીં થઈ હોય, તેથી તમારી સરકાર ઘા પર મીઠું ભભરાવવા આવી છે!’
LPG ગેસ સિલિન્ડરના વધેલા ભાવો પર ખડગેએ શું કહ્યું?
LPG ગેસ સિલિન્ડરના વધેલા ભાવને લઈને ખડગેએ કહ્યું કે, ‘LPG ગેસ સિલિન્ડર કમી રહી હતી, મોદીજી… આ વખતે મોંઘવારીનો માર ઉજ્જવલાની ગરીબ મહિલાઓની બચત પર પણ પડી. લૂંટ, જબરદસ્તી વસૂલી, છેતરપિંડી… એ મોદી સરકારના પર્યાય બની ગયા છે.’
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ
જ્યારે કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા માધ્મય ‘X’ પર વડાપ્રધાન મોદીનો જુનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં વડાપ્રધાન યુપીએ સરકારમાં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા વધારા સામે વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સરકારે ગેસ સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધારી દીધી છે. નરેન્દ્ર મોદીએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે, સરકારને લોકો પાસેથી ગેસ સિલિન્ડ છીનવી લીધા. મોદીએ મોંઘવારીના રૂપમાં જનતાને મોટો આંચકો આપ્યો છે.’