Ahmedabad News : લંડન અને ન્યુઝીલેન્ડના વિઝા આપવાની લાલચ આપીને ત્રણ આરોપી દ્વારા યુવાનો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા યુવકને લંડનમાં વર્ક પરમીટના નકલી લેટર આપીને આરોપીઓએ 10 લાખ રૂપિયા પડાવી લેતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. જેથી અગાઉ થયેલી 86 લાખની છેતરપિંડીના કેસનો ભેદ ઉકેલાયો હતો. જેમાં મુખ્ય ત્રણ આરોપી દ્વારા 8 થી વધુ યુવાનોને વર્ક પરમીટના વિઝા અપાવવાનું કહીને કુલ 1.73 કરોડ રૂપિયા પડાવી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રામોલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, લંડન અને ન્યૂઝીલેન્ડના વિઝા અપાવવાની લાલચમાં રાજ્યના યુવકો સાથે વર્ક પરમીટના નામે છેતરપિંડી કરનારી ગેંગ ઝડપાઈ છે. રામોલ પોલીસે વિષ્ણુભાઈ ગણેશભાઈ પટેલ અને મયંક જશવંતભાઈ ઓઝાની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ
ઘટના મામલે પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા 6 વર્ષથી વિદેશમાં વર્ક પરમીટ અપાવવાનું કામકાજ કરી રહ્યા હતા. વિઝા આપવાના બહાને 8થી વધુ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. જેમાં આરોપી બનાવટી લેટર ઈશ્યુ કરીને વોટ્સએપ પર જે-તે વ્યક્તિને મોકલીને રૂપિયાની વસુલીને કુલ 1.73 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપીને હાલ રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.