અમદાવાદ,સોમવાર
શહેરના જીવરાજ હોસ્પિટલ પુજન એપાર્ટમેન્ટ પાસે આવેલી નીલકમલ સોસાયટીના પાર્કિગમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે દરોડો પાડી પાર્ક કરેલી કારમાંથી એક હજાર બોટલ વિદેશી દારૂ સાથે બે બુટલેગરોની ધરપકડ કરી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના પીઆઇ આર એન ધાસુરાને બાતમી મળી હતી કે જીવરાજ હોસ્પિટલ પુજન એપાર્ટમેન્ટ પાસે આવેલી નીલકમલ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત પરમારે સોસાયટીના પાર્કિગમાં દારૂ ભરેલી કાર પાર્ક કરી છે. જેમાંથી દારૂની ડીલેવરી લેવા માટે એક યુવક આવવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
ત્યારે ચંદ્રકાંત પરમાર કાર પાસે હાજર હતો અને કોઇ યુવક સ્કૂટર પર દારૂ લેવા માટે આવ્યો હતો. ત્યારબાદ પોલીસે બંનેને ઝડપી લેતા યુવકનું નામ રેહાન સૈયદ (જુહાપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને તપાસ કરતા કારમાંથી રૂપિયા ૧.૭૫ લાખની કિંમતનો ૧૦૩૨ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સુખલાલ ડાંગી નામના બુટલેગરે યુસુફ શેખ દ્વારા આ દારૂનો જથ્થો મોકલ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.