વડોદરા,કારેલીબાગમાં હોળીની રાતે ત્રણ ટુ વ્હીલરને ટક્કર મારી એક મહિલાનું મોત નિપજાવનાર રક્ષિત જ ગાંજો ભરેલી બે સીગારેટ લઇને આવ્યો હતો. એક આખી સીગારેટ રક્ષિત પી ગયો હતો અને ત્યારબાદ તે કાર લઇને નીકળતા અકસ્માત સર્જાયો હતો. આ ગુનામાં રક્ષિતનો જેલમાંથી કબજો લેવા માટે વારસિયા પોલીસે કાર્યવાહી શરૃ કરી છે.
હોળીની મોડીરાતે કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તાથી ચંદ્રાવલી ચાર રસ્તા વચ્ચે પૂરઝડપે કાર ચલાવીને આવતા એલ.એલ.બી.ના વિદ્યાર્થી રક્ષિત રવિશભાઇ ચોરસિયા, ઉં.વ.૨૩ (રહે. ગાયત્રી એપાર્ટમેન્ટ, નિઝામપુરા, મૂળ રહે. ઇમ્લો કોલોની, તાજ હોટલની બાજુમાં નંદેશર, વારાણસી,તા.જી.વારાણસી) એ ત્રણ ટુ વ્હીલરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય ૭ લોકોને ઇજા પહોંચી હતી. આ કેસમાં રક્ષિત અને તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ તથા સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કેનાબીસના સક્રિય ઘટક ટી.એચ.સી. ( ટેટ્રા હાઇડ્રો કેનાબીનોલ) તથા કોડેઇનનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે વારસિયા પોલીસે આરોપી સુરેશ ભરવાડ (રહે. પારસ સોસાયટી, વારસિયા)ની ધરપકડ કરી હતી. તેના પિતાને જાણ કરવામાં આવતા તેના પિતા વતનથી વડોદરા દોડી આવ્યા હતા. સુરેશ ભરવાડ અને પ્રાંશુ અગાઉ સાથે અભ્યાસ કરતા હતા. ત્યારથી તેઓ વચ્ચે મિત્રતા થઇ હતી. બી.એ.નો અભ્યાસ કર્યા પછી સુરેશ ભરવાડ સયાજીગંજ વિસ્તારની એક એકેડેમીમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની પરીક્ષાની તૈયારી કરતો હતો.