![]()
Farmers Crops Support Price Purchase : ગુજરાતના 22 જિલ્લાના 300થી વધુ ખરીદ કેન્દ્ર પર મગફળી, મગ, અડદ, સોયાબીન સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી આજે રવિવાર(9 નવેમ્બર)થી શરૂ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર પ્રક્રિયા પર CCTV દ્વારા નજર રખાશે. આશરે 15000 કરોડથી વધુ મુલ્યની ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. તેવામાં ખરીદી પ્રક્રિયા અંતર્ગત મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,263, અડદ પ્રતિ ક્વિન્ટલે રૂ.7,800 અને સોયાબીન પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,328ના ભાવ નિર્ધારિત કરાયા છે. ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટર્ડ ખેડૂતોને SMS દ્વારા જાણ કરીને બોલાવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
ગુજરાતમાં માવઠાના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વધુ અસર પહોંચી છે. જેમાં અમરેલી જિલ્લા સહિતના વિસ્તારોમાં અતિભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોટાભાગના પાકને ભારે નાકસાની થઈ હતી. અમરેલીના રાજુલા, સાવરકુંડલા, બગસરા, બાબરા, સહિત માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે. જેમાં બગસરા તાલુકામાં 5407 થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ટેકાના ભાવે મગફળી 1452 રૂપિયાથી ખરીદી કરવાની શરૂ થઈ છે.
ધાનેરામાં રોજના 400 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાશે મગફળી
બનાસકાંઠાના ધાનેરા ખરીદ વેચાણ સંઘે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરી છે. જે આગામી 70 દિવસ સુધી ચાલશે. જેમાં રોજના 400 જેટલાં ખેડૂતો પાસેથી ટેકાના બાવે મગફળી ખરીદાશે. તમને જણાવી દઈએ કે, ધાનેરામાં 20,714 ખેડૂતોએ નોંધણી કરાવી છે. 2500 કિલો હેકટર દીઠ રૂપિયા 1452ના ટેકાના ભાવથી મગફળી ખરીદાશે. આ સાથે વાવ અને થરાદ માર્કેટ યાર્ડમાં પણ મગફળીની ખરીદી શરૂ થઈ છે.
આ પણ વાંચો: સહાય પેકેજ: પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે
સૌરાષ્ટ્ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. આજે જૂનાગઢ જિલ્લાના કુલ 42 કેન્દ્રો પૈકી 17 કેન્દ્રો પર મગફળી અને સોયાબીનની ખરીદી શરૂ થઈ છે. જિલ્લામાં 1.15 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં કેશોદના 20,034 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં 9.30 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં જિલ્લાના 11 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.










