![]()
SpiceJet Flight Emergency Landing: સ્પાઇસજેટની ફ્લાઇટ SG670 રવિવારે (નવમી નવેમ્બર) રાતે મુંબઈથી કોલકાતા જઈ રહી હતી, આ દરમિયાન તેનું એક એન્જિન હવામાં ફેલ થઈ ગયું હતું. પાયલટે કોલકાતાના નેતાજી સુભાષ ચન્દ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલને એન્જિન ફેલ થવાની જાણ કરી અને ઈમરજન્સી લેન્ડિંગની પરમિશન માંગી. ATCએ તરત જ પાયલટની વિનંતી સ્વીકારી અને કોલકાતા એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી એલર્ટ જાહેર કરીને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને બચાવ ટીમો તહેનાત કરવામાં આવી.
વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત
અહેવાલો અનુસાર, દક્ષિણ કોલકાતાના જાદવપુર, ગારિયા, બાઘાજતીન, ધાકુરિયા, કાલિકાપુર, રૂબી અને એરપોર્ટની આસપાસના વિસ્તારોના સ્થાનિક લોકોએ વિમાનને ખૂબ જ નીચું ઉડતું જોયું અને એન્જિનનો જોરદાર અવાજ સાંભળ્યો. વિમાનને કોલકાતા એરપોર્ટ પર ઉતરવામાં મુશ્કેલી પડી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યાનુસાર, રવિવારે રાતે 11:38 વાગ્યે ફ્લાઈટ એક જ એન્જિન સાથે સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી, અને ત્યારબાદ ટૂંક સમયમાં જ ફુલ ઈમરજન્સી એલર્ટ હટાવાયું. સ્પાઈસજેટ વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.
આ પણ વાંચો: પટણામાં મોટી દુર્ઘટના, મકાનની છત ધરાશાયી, એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો
સ્પાઈસજેટે માહિતા આપી છે કે, ‘ફ્લાઇટ SG670 માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, પરંતુ તાલીમ પામેલા ક્રૂએ સુરક્ષિત લેન્ડિંગ કર્યું. મુસાફરોની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.’ કોલકાતા એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ‘અમારી ટીમે તાત્કાલિક પ્રતિક્રિયા આપી. બધા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું, અને વિમાન સુરક્ષિત રીતે લેન્ડિંગ થયુ.’ લેન્ડિંગ પછી ટેકનિશિયનોની એક ટીમે એન્જિન નિષ્ફળતાનું કારણ નક્કી કરવા માટે સ્પાઇસજેટ વિમાનનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું.
અગાઉ પણ સ્પાઈસજેટના વિમાનમાં ખામી સર્જાઈ હતી
અગાઉ 23મી ઓક્ટોબરે દિલ્હીથી પટણા જતી સ્પાઇસજેટની ફ્લાઇટને ટેકનિકલ ખામીને કારણે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અધવચ્ચે જ પાછી ફરવી પડી હતી. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘દિલ્હીથી પટણા જતી ફ્લાઇટ SG-497એ IGI એરપોર્ટથી સમયસર ઉડાન ભરી હતી. જેમ જેમ વિમાન ઉંચાઈ પર પહોંચ્યું, તેમ તેમ પાઇલટને કંટ્રોલ પેનલ પર ટેકનિકલ ખામીનો સંકેત મળ્યો, જેના પગલે ફ્લાઇટને દિલ્હી પાછી વાળવામાં આવી.’ બોઈંગ 737-8A વિમાનમાં કેબિન ક્રૂ સહિત કુલ 160 મુસાફરો હતાં.










