– સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે ચાલકનો બચાવ
વિરપુર : મહિસાગર જીલ્લાના વિરપુરથી ડેભારી જવાના માર્ગ પર દૂધ ટેન્કર પલટી ખાતા હજારો લીટર દૂધ વેડફાયું હતું. જોકે, આ ઘટનાના પગલે ગ્રામજનો એકત્ર થયાં હતાં અને ટેન્કરના ચાલકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયો હતો. સદ્દનસીબે કોઇ જાનહાની થઇ નહતી.
વિરપુરથી ડેભારી જવા માર્ગ પર મંગળવારના રોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે જતા દૂધ ટેન્કરના ચાલકે અચાનક સ્ટેયરીંગપરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે તે રોડ પરથી ઉતરી નજીકના ખાડામાં પલટી ગયું હતું. આ અકસ્માતના પગલે આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતાં અને અકસ્માતગ્રસ્ત ટેન્કરના ચાલકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ ટેન્કર દૂધ ભરી બાલાસિનોર ખાતે જઇ રહ્યું હતું જોકે, અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નહતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ટેન્કર અકસ્માત સ્થળની માત્ર ૨૦ મીટર ફરતે કેનાલ તેમજ ઉંડી ખાઈ હતી આ અકસ્માતમાં ઘટના સ્થળે અન્ય વાહન વ્યવહાર ન હતો.જેના લીધે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો.જો કે ઘટનાની જાણ વિરપુર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.