– શાળાના કુલ 1.14 લાખ બાળકોની તપાસ કરાઈ
– 13,848 જેટલા બાળકોના હિમોગ્લોબીનની તપાસ કરાઈ, 6,147 જેટલા એનેમિયાવાળા બાળકો મળી આવ્યાં
ભાવનગર : શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મનપાના આરોગ્ય વિભાગ હસ્તક ની ૯ આર.બી.એસ.કે ટીમો દ્વારા નવજાત શિશુથી ધોરણ-૧૨ સુધીના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.
એપ્રિલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ સુધીમાં ૬ર ડીલીવરી પોઈંટ ખાતે કુલ ૧૪,૪૬૨ જેટલા નવજાત શિશુની જન્મજાત ખોડખાંપણ માટે તપાસ કરવામાં આવી હતી અને ૩૧૬ આંગણવાડી અને ૧૨૦ પ્રાઈવેટ બાલમંદિર તેમજ ૩૨૪ શાળા થઇને કુલ ૧,૬૩,૨૯૬ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં ૬ વર્ષ સુધીનાં કુલ ૪૮,૭૯૪ બાળકોની આંગણવાડી કેન્દ્ર ખાતે અને ૬ વર્ષથી ૧૮ વર્ષ સુધીનાં કુલ ૧,૧૪,૫૦૨ બાળકોની શાળા ખાતે તપાસ કરવામાં આવી હતી. ડીલીવરી પોઈંટ પર તપાસ કરતા કરોડરજ્જુની તકલીફ અને મગજની તકલીફ વાળા ૭ બાળક, ડાઉન સિન્ડ્રોમ વાળા ૨ બાળકો, હોઠ અને તાળવું કપાયેલ હોય એવા ૫ બાળક, વાંકા પગ વાળા ૨૮ બાળકો, જન્મજાત હૃદયમાં તકલીફ હોય એવા ૬ બાળક, જન્મજાત મોતિયો હોય એવું ૧ બાળક અને અન્ય જન્મજાત તકલીફ વાળા ૨૯ બાળકો એમ કુલ ૭૮ બાળકો જન્મજાત ખોડખાંપણ વાળા મળી આવ્યા હતાં.
તમામ બાળકોને સર.ટી.હોસ્પિટલ એનઆઈસીયુ એન્ડ ડીઇઆઈસી ખાતે સારવાર કરવામાં આવી હતી અને વધુ સારવારની જરૂરીયાત વાળા નવજાત શિશુને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ૧૩,૮૪૮ જેટલા બાળકોના હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૬,૧૪૭ જેટલા એનેમિયાવાળા બાળકો મળી આવ્યા હતાં. આ દરેક બાળકોને અનેમિયા મુકત ભારતની માર્ગદશકા મુજબ સારવાર આપવામાં આવી હતી.
71 જન્મજાત હૃદય રોગવાળા બાળકો મળી આવ્યા
શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસણી દરમિયાન તપાસાયેલા બાળકોમાંથી ૭૧ જન્મજાત હૃદય રોગવાળા બાળકો, ૪૭ કિડનીના રોગવાળા બાળકો, ૨૫ કેન્સરના રોગવાળા બાળકો, જન્મજાત બહેરાશ વાળા ૨ બાળકો, જન્મજાત મોતિયો વાળું ૧ બાળક, જન્મથી આંખ નાં પડદા ની તકલીફ વાળા ૫ બાળકો, ડાઉન સિન્ડ્રોમ વાળા ૩ બાળકો, હોઠ અને તાળવું કપાયેલ હોય એવું ૪ બાળક, વાંકા પગ વાળા ૨૦ બાળકો, ૫૭૨ જેટલા અતિકુપોષિત બાળકો, ૪૨૧૫ જેટલા ચામડીના રોગવાળા બાળકો, ૭૩૧૯ જેટલા શ્વસનતંત્ર ના રોગવાળા બાળકો, ૮૪૧૭ જેટલા દાંતનાં રોગવાળા બાળકો તથા ૨૨૮૦ જેટલા આંખના રોગવાળા બાળકો, ૬૬૧ કાન, નાક અને ગળા ના રોગવાળા બાળકો, ૯૭ આંચકી ના રોગવાળા બાળકો, ૨૮૨ જેટલા બાળકો વિકાસલક્ષી વિલંબતાવાળા મળી આવ્યા હતાં. આ તમામ ને જરૂરીયાત મુજબ સારવાર અને સંદર્ભ સેવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સર.ટી.હોસ્પિટલ ડીઇઆઈસી ભાવનગર ખાતે પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ગંભીર તકલીફ ધરાવતા બાળકોની અમદાવાદ ખાતે સારવાર કરવામાં આવી હતી.
જરૂરિયાતવાળા બાળકોના ઓપરેશન કરાયા
વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન જન્મજાત હૃદય રોગ વાળા ૨૧ બાળકોનુ યુ.એન.મેહતા કાડયાક હોસ્પિટલ, અમદાવાદ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું તેમજ જન્મજાત બહેરાશ માટે ૧ બાળક નું સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોકલીયર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું. કલેફટ લીપ અને કલેફટ પેલેટવાળા ૫ બાળકોનું ઓપેરશન પણ આ વર્ષ દરમિયાન કરવામાં આવેલ. કરોડરજ્જુ ની તકલીફ અને મગજની તકલીફ વાળા ૧ બાળકનું ઓપરેશન કરવામાં આવેલ. તેમજ આ સિવાયની અન્ય તકલીફ વાળા ૭ બાળકોનાં ઓપેરશન પણ આ વર્ષ દરમિયાન કરવામાં આવેલ છે. તેમજ વિકાસલક્ષી વિલંબતા વાળા બાળકોને સ્પીચ થેરાપી, ફિઝીયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી વગેરે જેવી સારવાર સર.ટી.હોસ્પિટલ ડ્રીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેનશન સેન્ટર, ભાવનગર ખાતે કરવામાં આવેલ છે.