Road Accident in Padra: વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી સતત અકસ્માતની ઘટનાઓ વધી છે. આજે (મંગળવારે) સવારે વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ટેમ્પો ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ વડોદરાના પાદરામાં ચમારા પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રેક્ટરે બાઇક પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારતાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય યુવકો સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં ચમારા બ્રિજ પાસે ટ્રેક્ટરે ટક્કર મારતાં ત્રણેય યુવકો રોડની સાઇડમાં ફંગોળાયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ ત્રણેયના મોત નીપજ્યા હતા. ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અને મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત
પોલીસે હાલ ટ્રેકટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનાના પગલે પાદરા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.