Blast Outside Punjab BJP Leader Residence in Jalandhar : પંજાબના જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના નિવાસસ્થાને મોડી રાત્રે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે 12 કલાકની અંદર બે લોકોની ધરપકડ કરી છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી હૈપ્પી પાસિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લીધી છે. બીજીતરફ આ હુમલામાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનું કનેક્શન સામે આવ્યું છે.
હુમલા પાછળ લૉરેન્સ અને ISIનો હાથ?
મળતા અહેવાલો મુજબ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આતંકી પાસિયા પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. હુમલાની તપાસ કરી રહેલી પોલીસે જે બે લોકોની ધરપડ કરી છે, તેઓ લૉરેન્સ બિશ્નોઈના નજીકના હોવાનો ખુલાસો થયો છે. જ્યારે પાસિયા ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસાનો કમાન્ડર છે. તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે કામ કરી ચુક્યો છે, તેથી એવું માનવું છે કે, હુમલાની ઘટના પાછળ ISIનો હાથ હોઈ શકે છે. આતંકી પાસિયા અગાઉ પણ ગ્રેનેડ હુમલો કરી ચુક્યો છે.
ઈ-રિક્ષામાં આવી હુમલો કરાયો
પોલીસના હાથમાં આવેલા CCTV ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે, હુમલાખોર મોડી રાત્રે ઈ-રિક્ષામાં આવ્યો હતો અને તે ગ્રેનેડ ફેંકીને ભાગી ગયો હતો. પોલીસે ફુટેજના આધારે ઈ-રિક્ષા અને બે શકમંદ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો : 2008 જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચાર આતંકવાદીને આજીવન કારાવાસની સજા
પોલીસે બે શંકાસ્પદની ધરપકડ કરી
પંજાબ પોલીસે હુમલા કેસમાં તુરંત કાર્યવાહી કરીને 12 કલાકની અંદર બે શકમંદોની ધરપકડ કરી છે. ગ્રેનેડ હુમલો કરનારો મુખ્ય આરોપી પોલીસના સકંજમાં છે. પોલીસે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ઈ-રિક્ષા પણ જપ્ત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આખી ઘટનાનો માસ્ટરમાઈન્ડ જીશાન અખ્તર જોકિ લૉરેન્સનો નજીકનો સાથી છે. જીશાન બાબા સિદ્દીકી મર્ડર કેસમાં પણ વોન્ટેડ છે. જોકે આ મામલે પોલીસનું કોઈપણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. એવું કહેવાય છે કે, પોલીસે CCTV ફુટેજ ખંગાળતા કેટલાક પુરાવા હાથ લાગ્યા છે, ત્યારબાદ પોલીસે બે શંકાસ્પદની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : યુપીમાં બજરંગ દળના નેતાની હત્યા, ગળું કાપીને પરિવારના સભ્યોએ કરી હત્યા, કારણ ચોંકાવનારું