RBI Rule: કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને પેન્શન વિતરણ કરતી તમામ બૅન્કોએ જો પેન્શનની ચૂકવણીમાં વિલંબ કર્યો તો તેણે વાર્ષિક 8 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. આરબીઆઇએ માસ્ટર સર્ક્યુલર જાહેર કરી બૅન્કોને આદેશ આપ્યો છે કે, હવે પેન્શન ચૂકવણીમાં કોઈપણ વિલંબ માટે વાર્ષિક 8%ના દરે વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. આનો ઉદ્દેશ્ય પેન્શનર્સને તેમના બાકી લેણાંની મોડી ચૂકવણી માટે વળતર આપવાનો છે.
આરબીઆઇની સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પેન્શન ચૂકવનારી બૅન્કોએ ચૂકવણીની નિયત તારીખ પછી પેન્શન/બાકી જમા કરવામાં વિલંબ કર્યો તો પેન્શનધારકને વાર્ષિક 8 ટકાના નિશ્ચિત વ્યાજ દરે વળતર આપવું પડશે.’
ઓટોમેટિક રૂપમાં આપવાની રહેશે સુવિધા
નિર્દેશમાં સ્પષ્ટતા આપવામાં આવી છે કે, આ વળતર પેન્શનર્સના કોઈપણ દાવા વિના જ ઓટોમેટિક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. ચૂકવણીની તારીખ પછી થતા કોઈપણ વિલંબ માટે વાર્ષિક 8%ના નિશ્ચિત વ્યાજ દરે વળતર ચૂકવવાનું રહેશે. જે દિવસે બૅન્ક સુધારેલા પેન્શન અથવા બાકી પેન્શનની રકમ જમા કરશે તે જ દિવસે પેન્શનધારકના ખાતામાં વ્યાજ જમા કરવામાં આવશે, આ નિયમ 1 ઑક્ટોબર, 2008થી તમામ મોડી ચૂકવણીઓ પર લાગુ થશે.
આ પણ વાંચોઃ ચીન ઝૂકશે નહીં, વળતો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી મુદ્દે ડ્રેગન અડગ
પેન્શનની ચૂકવણી સુચારુ બનાવવાનો ઉદ્દેશ
સર્ક્યુલરમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે, આ સર્ક્યુલરમાં બૅન્કો દ્વારા પેન્શન વિતરણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સુચારુ રૂપે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી સંબંધિત પેન્શન ચૂકવતા અધિકારીઓ દ્વારા પેન્શન ઑર્ડરની નકલો તાત્કાલિક ધોરણે મેળવી શકાય. બૅન્કોને આરબીઆઇના નિર્દેશોની રાહ જોયા વિના પેન્શન ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી પેન્શનર્સ હવે દર મહિને નિશ્ચિત સમય મર્યાદામાં વ્યાજનો લાભ મેળવી શકે. ખાસ કરીને વૃદ્ધ પેન્શનર્સ માટે સરળ પ્રક્રિયા બનાવી વધુ સારી ગ્રાહક સેવા પૂરી પાડવા પણ નિર્દેશ છે.
પેન્શનનું વિતરણ કરતી તમામ એજન્સી બૅન્કોને સલાહ આપવામાં આવી છે કે ‘તેઓ પેન્શનર્સ, ખાસ કરીને મોટી ઉંમરના લોકોને, વિચારશીલ અને સહાનુભૂતિપૂર્ણ ગ્રાહક સેવા પૂરી પાડે. આ પગલાંથી પેન્શનર્સને વધુ સારી સેવા પહોંચાડવાની અપેક્ષા છે.’