ચૈત્રી પુનમે 4 લાખથી વધુ ભક્તો ચામુંડા માતાના દર્શન કરશે
ધોમધકતા તાપ વચ્ચે પણ ચોટીલા પદયાત્રાએ જતાં યાત્રીકોનો જુસ્સો અકબંધ
સુરેન્દ્રનગર: ચૈત્રી પૂનમે પગપાળા ચાલીને માં ચામુંડાના ધામ ચોટીલા જઇને ધજા ચડાવવાનું ભારે મહત્વ છે. ત્યારે ચૈત્રી પૂનમે ધજા ચડાવવા જતા પદયાત્રીઓ હાલ ઝાલાવાડના રસ્તા પર નજરે પડે છે. પદયાત્રાળુઓને રહેવા, જમવા, સુવા સહિતની સુવિધા ઠેરઠેર સેવાભાવી લોકો દ્વારા પૂરી પાડવા માટે સેવા કેમ્પ શરૂ કરાયા છે.
ચૈત્રી પુનમને દિવસે ચોટીલા ખાતે બિરાજમાન ‘ચામુંડા મા’ના દર્શનનું અનેરૂ મહત્વ છે. પગપાળા ચાલીને ચામુંડા માતાના દર્શન કરવા મહેસાણા, કડી-કલોલ, ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા, બહુચરાજી સહિતના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચોટીલા ચાલીને જઈ રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે સૌથી વધુ અંદાજે ૪૪ ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે છતાં ભક્તોની અતુટ શ્રધ્ધા અકબંધ જોવા મળી રહી છે.
ચોટીલા જતા નેશનલ હાઈવે સહિત મુળી રોડ, રતનપર બાયપાસ, ડોળીયા ચોકડી સહિતના રસ્તાઓ પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને પગપાળા સંઘમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભરઉનાળે ચાલીને જતા પદયાત્રીકોને મુશ્કેલી ન પડે તે માટે સામાજીક સંસ્થાઓ, સેવાભાવી ગૃપ, યુવાનો દ્વારા અમુક અમુક અંતરે સેવાના કેમ્પ રાખવામાં આવ્યાં છે. જ્યાં પદયાત્રીઓને ચા-પાણી, નાસ્તો, રહેવા-જમવા સહિત દવા અને સારવાર સહિતની સુવિધાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. જ્યારે રસ્તા પર પણ સેવાભાવી લોકો દ્વારા વાહનો મારફતે ઠંડું પાણી, લીંબુ શરબત, છાસ, તરબુચ, શેરડીનો રસ, ચા, બિસ્કીટ વગેરે નાસ્તો ચોટીલા સુધી પુરો પાડી સેવા આપવામાં આવી રહી છે. ચૈત્રી પુનમને દિવસે સવારથી જ ચામુંડા માતાજીના મંદિરે પદયાત્રીઓ સહિત ભક્તોની ભીડ ઉમટી પડશે અને સમગ્ર માહોલ જય ચામુંડા માતકીના નાદ સાથે ગુંજી ઉઠશે.