Vadodara News: વડોદરા શહેર નજીક આવેલા પોર ગામમાં વડોદરા તાલુકા પંચાયત દ્વારા ગટર અને પાણીની લાઇન તેમજ પેવર બ્લોક નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ઓટલા તોડવાની સ્થિતી સર્જાતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં તાલુકા પંચાયતના ભાજપા પ્રમુખના પતિ અને એટલો તોડવાનો વિરોધ કરનાર ફળિયાના પરિવાર વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે.
મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા પોર ગામમાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના ફળિયામાં ગટર લાઇન, પાણીની લાઇન અને પેવર બ્લોક નાંખવાનુ કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ઓટલા તોડવા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આથી ફળિયાના કેટલાંક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા વિવાદ ચાલી રહ્યો હતો.
ગટર અને પાણીની લાઇન નાંખવાની કામગીરી પૂરી થયા બાદ મજૂરો દ્વારા લેવલિંગ કરી પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે અંગે ફળિયાના કેટલાક લોકોએ કામગીરી અટકાવી દેતાં વિવાદ સર્જાયો હતો. ફળિયાના લોકોએ કામગીરી અટકાવી હોવાની જાણ ફળિયામાં જ રહેતા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનકભાઇ પરમારને થતાં તેઓ દોડી ગયા હતા. તે સમયે તેઓને વિરોધ કરતાં લોકો સાથે ઉગ્ર બોલાચાલી થતાં મામલો તંગ બની ગયો હતો.
દરમિયાન રોષે ભરાયેલા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના પતિ રોનક પરમાર વિરોધ કરનાર ફળિયાના લોકો સાથે મારામારી શરૂ કરી દીધી હતી. આ મારામારીના પગલે ફળિયાના લોકો એકઠાં થઇ ગયા હતા. વાયુવેગે આ ઘટનાની જાણ ગામમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. એતો ઠીક મામલો વરણામા પોલીસ મથકમાં પહોંચી ગયો હતો.
પોર ગામ સહિત તાલુકામાં ચકચાર જગાવી મૂકનાર આ ઘટના અંગે તાલુકા પંચાયતના પ્રમુખના પતિ રોનક પરમારે જણાવ્યું હતું કે, ફળિયામાં અંદાજે રૂપિયા 8 – 10 લાખના ખર્ચે ગટર અને પાણીની લાઇન તેમજ પેવર બ્લોક નાંખવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન કામગીરીમાં અવરોધ ઉભો કરી રહેલા ફળિયાના કેટલાંક લોકો સાથે ઝઘડો થયો હતો. જોકે, અમારે સમાધાન પણ થઇ ગયું છે. અને વિવાદીત કામ પણ પૂરું થઇ ગયું છે.
તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારે જણાવ્યું હતું કે, કોઇ મોટી મેટર નથી. અને કોઇ વિવાદ પણ હવે નથી. કામ પૂરું થઇ ગયું છે.