રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ
ગાંધીનગરની નદીના પટમાંથી ચોરી કરીને માર્ગો પર બેફામ દોડતા ડમ્પરો સામે તંત્રની લાલઆંખ
ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં ગેરકાયદે રેતી અને અન્ય ખનીજની
ગેરકાયદે હેરાફેરી કરવામાં આવી રહી છે તે વચ્ચે ભુસ્તર તંત્ર દ્વારા હાઇવે માર્ગો
ઉપર ચેકીંગ કરીને રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃતરીતે ખનીજની હેરાફેરી કરતા હોય તેવા નવ
ડમ્પરોને ત્રણ દિવસમાં પકડવામાં આવ્યા છે. કુલ ૩.૧૦ કરોડનો મુદ્દામાલ પણ તંત્રએ
જપ્ત કરીને આ ડમ્પરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરની સાબરમતી નદી ઉપરાંત અન્ય નદીના તટમાંથી હજ્જારો
ટન રેતી ગેરકાયદે ઉલેચવામાં આવે છે. જ્યાં તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવે છે તે
વખતે આ રેતીમાફિયા ત્યાંથી ભાગી જવામાં સફળ રહે છે આવી સ્થિતિ વચ્ચે માર્ગો ઉપર
ચેકીંગ કરીને ગેરકાયદે રેતી સહિતના ખનીજની હેરાફેરી કરતા તત્વોને પકડવા
ચક્રોગતિમાન કર્યા છે. આ અંગે જિલ્લા કલેક્ટર મેહુલ દવેની સુચનાને પગલે મદદનીશ
ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત
નારદીપુર, પેથાપુર,ઘ-૦, ફતેપુરા, શાહપુર,લેકાવાડા તથા
પીંપળજ ખાતેથી ચેકીંગ દરમ્યાન બિનઅધિકૃતરીતે રેતી તથા ખનીજની હેરાફેરી કરતા નવ
વાહનો પકડવામાં આવ્યા હતા.
ત્રણ દિવસ દરમ્યાન ગાંધીનગરના આ અલગ અલગ સ્થળોએથી ભુસ્તર
તંત્ર દ્વારા રોયલ્ટીપાસ વગરના તથા ઓવરલોડેડ નવ વાહનો પકડીને કુલ ૩.૧૦ કરોડનો
મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તેવી સ્થિતિમાં આ ડમ્પરના માલિકો સામે પણ
આગામી દિવસોમાં દંડનીય પગલા ભરવામાં આવશે તેમ મદદનીશ ભુસ્તરશાસ્ત્રીદ્વારા
જણાવવામાં આવ્યું છે.