વડોદરા,કારેલીબાગમાં હોળીની રાતે ત્રણ ટુ વ્હીલરને ટક્કર મારી એક મહિલાનું મોત નિપજાવનાર રક્ષિતનો વારસિયા પોલીસે જેલમાંથી કબજો લઇ પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ પછી ફરીથી તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તાથી ચંદ્રાવલી ચાર રસ્તા વચ્ચે પૂરઝડપે કાર ચલાવીને નશેબાજ રક્ષિત રવિશભાઇ ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં રક્ષિત અને તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ તથા સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં ત્રણેય મિત્રોએ ગાંજાનો નશો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે તેઓની સામે એન.ડી.પી.એસ.નો ગુનો દાખલ કર્યો હતો.આ કેસમાં અગાઉ પ્રાંશુ ચોહાણ તથા સુરેશ ભરવાડની ધરપકડ થઇ હતી. જ્યારે હિટ એન્ડ રનના કેસમાં જેલવાસ ભોગવતા રક્ષિતનો વારસિયા પોલીસે જેલમાંથી કબજો મેળવી આજે પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, રક્ષિત અને સુરેશ ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી ગાંજો ભરેલી સીગારેટ લાવ્યા હતા. ત્યારબાદ તેઓએ સુરેશ ભરવાડના ઘરે જઇને નશો કર્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા હવે ગાંજાના સપ્લાયરને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.