Jamnagar : જામનગર શહેરમાં મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના ગેર કાયદે રીતે સ્ટ્રીટ લાઇટના વીજપોલ અથવા તો અન્ય જગ્યા ઉપર જાહેરાતના હોર્ડિંગ વગેરે લગાવી દેવામાં આવ્યા છે. જે અંગે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી સતર્ક બની છે, અને જુદા જુદા વિસ્તારમાં જપ્તીકરણની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ, એસટી રોડ, સાત રસ્તા થી ખોડીયાર કોલોની તરફના માર્ગ વગેરે વિસ્તારોમાં એસ્ટેટ શાખાની ટુકડી દોડતી થઈ હતી, અને સ્ટ્રીટ લાઈટના પોલ તેમજ અન્ય જગ્યાએ લગાવેલા આશરે મંજૂરી વગરના 400 જેટલા જાહેરાતના બોર્ડ-હોર્ડિંગ વગેરે ઉતારી લેવામાં આવ્યા છે, અને તે કબજે કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે. આ કાર્યવાહી આજે રણજીત નગર સહિતના વિસ્તારમાં અવિરત ચાલુ રાખવામાં આવી છે.