Vadodara : વડોદરા શહેરમાં પાણીના કકળાટ વચ્ચે પાણી પુરવઠા શાખાના એન્જિનિયરને મહિલા કાઉન્સિલરના પતિએ લાફો ઝીંકવા મામલે એન્જિનિયરો હડતાલ પર ઉતરી જઈ મહિલા કાઉન્સિલરના પતિ વિરુદ્ધ કાર્યવાહી હેતુ કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા.
શહેરના વોર્ડ નંબર પાંચમાં સમાવેશ વિસ્તારોમાં પાણીની સમસ્યા અંગે કોર્પોરેશનના કર્મચારી અને કાઉન્સિલર વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. કોર્પોરેશનના AAE કક્ષાના એન્જિનિયર સાગર મિસ્ત્રીને વોર્ડ નંબર પાંચના મહિલા કાઉન્સિલર પ્રફુલાબેન જેઠવાના પતિ રાજુભાઈ જેઠવાએ શાબ્દિક ઘર્ષણ બાદ લાફો માર્યો હોવાના આક્ષેપ થયા છે. આ અંગે પૂર્વ ઝોન ડેપ્યુટી એન્જિનિયર મિતેષ પટેલએ જણાવ્યું હતું કે, પૂર્વ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું હોય અમિત નગર સર્કલ નજીક ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. તે સમયે પ્રફુલાબેનએ મને ફોન કરી કહ્યું હતું કે, તમે બધું કામ છોડી સરદાર એસ્ટેટ આવી જાવ. ત્યારબાદ તેઓ અમિત નગર ખાતે આવી પાણીના ટેન્કર બાબતે માથાકૂટ કરી હતી. ખોટા આરોપ લગાવી ઉધતાઈ ભર્યુંવર્તન કરી સહ એન્જિનિયરને લાફો માર્યો છે. જેથી પાણી પુરવઠા શાખાના તમામ એન્જિનિયર આજે હડતાલ પર ઉતર્યા છે. અને કારેલીબાગ પોલીસ મથકે મહિલા કાઉન્સિલરના પતિ વિરુદ્ધ કાર્યવાહી માટેની અરજી આપી છે.