![]()
– છેતરપિંડી અને સિક્યોરિટિ અને પુજારી સાથે માથાકૂટ મુદ્દે નિવેદન માટે બોલાવ્યા હતા
– પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જઈ આધેડે અનાજમાં નાખવાની ટિકડીઓ ખાઈ લીધી હતી
ભાવનગર/પાલિતાણા : પાલિતાણા ખાતે દર્શનાર્થે આવેલા જૈન તિર્થયાત્રીને સિક્યોરિટી અને પુજારી સાથે પુજન બાબતે થયેલી માથાકૂટ તથા ૬ માસ પૂર્વે થયેલી છેતરપિંડીની અરજી મામલે પોલીસ ગતરોજ નિવેદન માટે તેમને પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં લાવી હતી. અહીં યાત્રિકે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં અનાજમાં નાખવાની ટિકડીઓ ખાઈ લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ૬ માસ પૂર્વે થયેલી છેતરપિંડીની અરજી અને સિક્યોરિટિ અને પુજારી સાથે થયેલી માથાકૂટની અરજીના કામે ગતરોજ નિવેદન માટે લાવવામાં આવેલા જૈન યાત્રિક યોગેશભાઈ દેવચંદભાઈ ડેડિયા (ઉ.વ.૫૩, રહે.બહેરામપુરા, અમદાવાદ)એ પાલિતાણા ટાઉન પોલીસ મથકના બાથરૂમમાં ઝેરી દવા પી લીધી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવ અંગે પાલિતાણા ડિવિઝનના ઈન્ચાર્જ ડીવાયએસપી ડામોરે જણાવ્યું હતું કે, પાલિતાણા શેત્રુંજય પર્વત પર પુજન કરવા આવેલા યોગેશભાઈને કોઈ બાબતે પુજારી અને સિક્યોરિટિ સાથે માથાકુટ થઈ હતી. જે મામલે પોલીસને સિક્યોરિટિ એજન્સિ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે તેમને બપોરે નિવેદન માટે બોલાવ્યા હતા. જ્યાં તેમણે બાથરૂમમાં જઈને અનાજમાં નાખવાની ટિકડીઓ ખાઈ બેસી ગયા હતા. થોડીવાર પછી છાતીમાં દુઃખાનો અને ગભરામણ થતાં પોલીસને તેમણે દવા ખાધી હોવાની જાણ કરતા પોલીસે સારવાર માટે પ્રથમ માનસિંહજી હોસ્પિટલ પાલિતાણા અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનોને છેલ્લા આશરે ૧૫-૧૭ વર્ષથી તેમની સાથે કોઈ સંબંધ નહોતો તેવું પણ તેમણે ઉમેર્યું હતું. આ બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.
મૃતક સામે ખોટી રિસિપ્ટ બનાવી છેતરપિંડીની અરજી થઈ હતી
પાલિતાણાની આણંદજી કલ્યાણજી પેઢીના વિજિલન્સ સિક્યોરિટિ ઓફિસરે ગત તા.૦૮-૦૬-૨૦૨૫ના રોજ યોગેશભાઈ તથા જૈમિનભાઈ શાહ અને તેના સાગરિતો વિરૂદ્ધ શેત્રુજી ડુંગર પર આરતીના ઘીની મોટી બોલી બોલી પેઢીની ખોટી રસીદો છાપી યાત્રિકો સાથે ગેરકાયદે પૈસા પડાવી લાખો રૂપિયાનો લાભ લઈ ખોટા ડોક્યુમેન્ટ બનાવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની અરજી પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં આપી હતી અને યોગેશભાઈ ફરીથી આ જ રીતની પ્રવૃત્તિ કરતા પકડાઈ ગયા હતા. જે બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.










