Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આજે (9 એપ્રિલ) સુરક્ષા દળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા સુરક્ષા જવાનોએ પણ વળતો જવાબ આપ્યો છે, જેના કારણે આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા છે. હાલ પોલીસ જવાનો અને અન્ય સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. આ સાથે આતંકવાદીઓને પકડી પાડવા માટે તપાસ અભિયાન પણ શરૂ કરી દીધું છે.
આતંકવાદીઓ જંગલમાં છુપાયા
ઉધમપુર પોલીસે કહ્યું કે, જિલ્લાના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોફર ગામમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળના જવાનો ત્યાં પહોંચતા આતંકીઓએ આડેધડ ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો હતો. જોકે સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો છે, જેના કારણે આતંકવાદીઓ ત્યાંથી ભાગી જઈ જંગલમાં છુપાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
આ પણ વાંચો : પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ
સુરક્ષા દળોનું જંગલમાં તપાસ અભિયાન
ઉધનપુરના એસએસપી આમોદ અશોક નાગપુરેએ કહ્યું કે, ‘ઊંચા પર્વતો, નદીઓ અને ગાઢ જંગલોને કારણે આ ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે. અમને માહિતી મળી છે કે, જંગલની અંદર બેથી ત્રણ આતંકવાદીઓ ભાગીને છુપાઈ ગયા છે. હાલ અમે જંગલમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. ગોળીબારમાં કોઈપણ જાનહાની થઈ નથી. અમારા તમામ જવાનો સુરક્ષિત છે. આ વિસ્તાર પડકારજનક છે, જોકે તેમ છતાં અમે આતંકવાદીઓને પકડી પાડવામાં સફળ થઈશું.
#WATCH | Udhampur, J&K | In the aftermath of an encounter between security forces and suspected terrorists in Marta Village of Ramnagar area, SSP Udhampur Amod Ashok Nagpure says, “This is a very inaccessible area due to the high mountains, a river below, and a dense forest. We… pic.twitter.com/EEllBuU6MT
— ANI (@ANI) April 9, 2025
સુરક્ષા દળો-આતંકીઓ વચ્ચે બે કલાક ગોળીબાર ચાલ્યો
તેમણે કહ્યું કે, સાંજે લગભગ બે કલાક સુધી સામસામે ગોળીબાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, કઠુઆ જિલ્લાના સાન્યાલ વિસ્તારમાં 24 માર્ચે તપાસ અભિયાન શરૂ કરાયું હતું. આ દરમિયાન ત્રણ એન્કાઉન્ટર થયા હતા. ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળો છેલ્લા 17 દિવસથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જતા આતંકવાદીઓ પર નજર રાખી રહ્યા છે. 27 માર્ચે આ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ચાર પોલીસકર્મીઓ શહીદ થયા હતા.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી