IPL 2025 CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ સતત ખરાબ પર્ફોર્મન્સ આપી રહી છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ આ ટીમે હવે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે પાંચ વિકેટે પરાજય મેળવ્યો છે. 25 એપ્રિલે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં રમાયેલી મેચમાં ચેન્નઈએ સનરાઈઝર્સ હૈદરાબાદને 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને સનરાઈઝર્સે છેલ્લા આઠ બોલમાં હાંસલ કર્યો હતો.
CSKનો જાદુ કામ કરી રહ્યો નથી
પાંચ વખત આઈપીએલમાં ચેમ્પિયન રહી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સે અત્યારસુધીમાં કુલ 80 મેચ રમી છે. જેમાં 52માં જીત અને 28માં હારનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે 9માંથી 7 મેચ હારી છે. ચેન્નઈ સુપર કિંગ્સ માત્ર ચાર પોઈન્ટ સાથે યાદીમાં અંતિમ સ્થાને છે. તેના હોમગ્રાઉન્ડ ચેપોકમાં પણ તેણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સિઝનમાં તેનો જાદુ કામ કરી રહ્યો નથી. ચાહકો કહી રહ્યા છે કે, આ ટીમમાં હવે ખાસ દમ રહ્યો નથી. સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ CSKનો કિલ્લો ભેદી દીધો છે. દિલ્હીએ ચેપોકમાં 15 વર્ષ બાદ અને બેંગ્લુરૂએ 17 વર્ષ બાદ ચેન્નઈને તેના જ ગ્રાઉન્ડમાં હરાવી છે.
આ પણ વાંચોઃ VIDEO : ધોનીની CSK હારતાં જ ભાવુક થઈ અભિનેત્રી, મેદાનમાં જ રડતી કેમેરામાં કેદ
પહેલીવાર CSK નબળી પડી
CSKએ આ સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી. તેણે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે હરાવી હતી. ત્યારબાદથી આ ટીમ પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં સતત ચાર મેચ હારી ચૂકી છે. CSKને હૈદરાબાદ, દિલ્હી, બેંગ્લુરૂ ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સે હરાવી હતી. કેકેઆર સામે CSK માત્ર 103 રન જ બનાવી શકી હતી. જે ચેપોકમાં તેનો સૌથી નીચો સ્કોર છે. અગાઉ 2008ની સીઝનમાં પણ CSK ઘરઆંગણે છેલ્લી બે મેચ હારી હતી. જ્યારે 2009માં શરૂઆતની બે મેચ હારી હતી.
IPL સીઝનમાં CSK ની સૌથી વધુ હાર (ઘર આંગણે)
2008- સાતમાંથી ચાર મેચ હારી
2009- 10માંથી ચાર મેચ હારી
2025*- અત્યારસુધીમાં પાંચમાંથી ચાર મેચ હારી