![]()
Vadodara Visa Fraud : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામના યુવકે અને તેમના મિત્રોને જ્યોર્જિયાની વર્ક પરમીટ વિઝા બનાવી આપવાના બહાને વડોદરાના નટુભાઈ સર્કલ પાસે આવેલા મહિલા ઠગ એજન્ટ સહિત પાંચ શખ્સોએ મળીને રૂ.24.35 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ આ ગેંગ દ્વારા કોઈ વિઝા નહીં બનાવી આપતા યુવકે રૂપિયા પરત માંગ્યા હતા. જેની પૂરેપૂરી રકમ પરત નહીં કરતા તેણે ગેંગ સામે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામના દિનેશભાઈ જીવનભાઈ આચાર્ય (ઉં.વ.39)એ પોલીસ ફરિયાદ પ્રમાણે જાન્યુઆરી-2025માં સોશિયલ મીડિયા પરની જાહેરખબરથી રિધાન ઇમિગ્રેશનનો સંપર્ક કર્યો હતો. વડોદરાના નટુભાઈ સર્કલ પાસે મીરાઝ કોમ્પ્લેક્સ, થર્ડ ફ્લોર, 302 રૂમ નંબરમાં આવેલી આ ઓફિસે ફરિયાદી તથા તેમના પાંચ મિત્રોને બોલાવ્યા હતા. જ્યોર્જિયામાં વેરહાઉસની નોકરીમાં રૂ.80થી 90 હજાર પગાર તથા રહેવા-જમવાની સુવિધા મળશે અને પ્રત્યેક વ્યક્તિએ વિઝા-ટિકિટ માટે રૂ.5.50 લાખ ચૂકવવાના હોવાથી શરૂઆતમાં 50 હજાર રૂપિયાની એડવાન્સ તરીકે રૂ.3 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. નોટરી એગ્રીમેન્ટ પણ કરાવ્યુ હતું કે દોઢ મહિનામાં વર્ક પરમિટ મળી જશે, પરંતુ નિયત સમયે વિઝા મળ્યા નહોતા. એપ્રિલ-2025માં વિઝા આવી ગયાનું કહી વધુ રૂ.10.50 લાખ તથા પછી રૂ.19.50 લાખ આપ્યા હતા. જુલાઈ-2025માં જ્યોર્જિયા જવાની ટિકિટ આપી દિલ્હી બોલાવ્યા હતા, પરંતુ પાસપોર્ટ કે મૂળ વિઝા આપ્યા નહોતા અને ખોટા ખોટા વાયદાઓ કર્યા હતા. યુવકે રૂપિયા માંગતાં આરોપીઓએ રૂ.8.65 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના રૂ.24.35 લાખ પરત આપ્યા નથી. આ ગુનામાં ગોરવા પોલીસે મુખ્ય આરોપી રિધાન ઇમિગ્રેશનના માલિક કાજલ જોશી તથા સ્ટાફ અમર શાહ, શ્રેયા પટેલ, ચિરાયુ પટેલ અને ગૌતમ શાહ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.










