અમદાવાદ,શનિવાર
ફેસબુક અને અન્ય સોશિયલ મિડીયાની સાઇટ પર ઓછા વ્યાજ દરે લોન ઓફર કરીને છેતરપિંડી કરતી ગેંગની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં લોન મેળવવા માટે બજાજ ફાઇનાન્સ કાર્ડ ફરજિયાત હોવાનું કહીને કાર્ડ પર લોન લઇને તેને અન્ય એકાઉન્ટમાં મેળવવામાં આવે છે. આ મોડસ ઓપરેન્ડીથી એક વ્યક્તિ સાથે છેતરપિંડી થયાની ફરિયાદ સાયબર ક્રાઇમ ેસેલમાં નોંધવામાં આવી છે.
ખેડા જિલ્લાના વસોમાં રહેતા જતીનભાઇ શાહે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમણે બજાજ ફાઇનાન્સ કાર્ડથી દિવાળીમાં લોન લીધી હતી. જેના ઇએમઆઇ ભરતા હતા.થોડા સમય પહેલા તેમને ફેસબુક પર એક લીંક મળી હતી. જેમાં લોનની ઓફર આપવામાં આવી હતી. જેથી લોન માટે એપ્લાય કરતા વોટસએપ પર કોલ આવ્યો હતો. કોલ કરનારે કહ્યું હતું કે બજાજ ફાઇનાન્સ કાર્ડ હશે તો જ લોન મળશે અને લોન માટે કાર્ડમાં રજીસ્ટ્રેશન માટે આપેલો મોબાઇલ નંબર લોન માટે જોઇશે. જેથી જતીનભાઇએ મોબાઇલ નંબર આપતા લોન પ્રોસેસના નામે એક ઓટીપી મોકલ્યો હતો. અને આધારકાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજ મંગાવ્યા હતા. સાથે સાથે ૧.૫૯ લાખની લોન સામે ૨૪ મહિનાના હપતા કરી આપવાની ખાતરી આપી હતી. જો કે ત્યારબાદ લોન મળી નહોતી.
બીજી તરફ એક મહિના બાદ બજાજ ફાઇનાન્સમાંથી ફોન આવ્યો હતો કે લોનનો એક હપતો બાઉન્સ થયો છે. ત્યારે જાણવા મળ્યું હતું કોઇ ગઠિયાએ જતીનભાઇના નામે લોન લઇને તે રકમથી બારોબાર ૧.૫૯ લાખની લોન લઇને છેતરપિંડી આચરી હતી. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.