Fatty liver symptoms: ભારતમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને કેન્સર જેવી ઘણી બીમારી ઝડપથી ફેલાઈ રહી છે, આમાંથી એક બીમારી ખૂબ જ સામાન્ય છે જે નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD)છે. PIBના 2024ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં લગભગ 35-38% લોકો ફેટી લીવર ડિસીઝથી પીડાય છે. આ બીમારી કોઈપણ લક્ષણો વિના પણ શરીરમાં ઘર કરી જાય છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ સેઠી (MD, MPH)એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં જણાવ્યું છે કે, આ બીમારીના કેટલાક સામાન્ય લક્ષણો હોય છે જેને લોકો સમજી શકતા નથી અને અવગણતા રહે થે. જો તે લક્ષણો ઓળખી લેવામાં આવે તો આ બીમારીથી બચી શકાય છે. તો ચાલો જાણીએ આ લક્ષણો.
સતત થાક અનુભવાય અથવા એનર્જીનો અભાવ
ફેટી લીવરનો થાક સામાન્ય થાક કરતા અલગ છે કારણ કે તે આરામ કર્યા પછી પણ દૂર નથી થતો. વાસ્તવમાં લીવર શરીરના પોષક તત્વોને એનર્જીમાં રૂપાંતરિત કરે છે અને જ્યારે તેની અંદર ચરબી જામી જાય છે ત્યારે તેની પ્રોસેસ ધીમી થઈ જાય છે. તેનાથી ધીમે-ધીમે દિવસભર થાક રહે છે અને એનર્જી પણ ઓછી થાય છે.
પેટ-કમરની આસપાસ ચરબી જમા થવી
ફેટી લીવર ઓળખવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તેમાં પેટની આસપાસના ભાગમાં ચરબી જમા થઈ જાય છે. ભલે શરીરનો બાકીનો ભાગ પાતળો હોય પરંતુ કમર અને પેટની સાઈઝ વધી જાય તો તે આંતરિક અવયવોમાં ખાસ કરીને લીવરની આસપાસ ચરબી જમા થઈ રહી છે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને મેટાબોલિક સમસ્યાઓની શરૂઆતનો સંકેત હોઈ શકે છે.
જમણી પાંસળીઓની નીચે હળવો દુ:ખાવો
ક્યારેક-ક્યારેક જમણી પાંસળીની નીચે ભારેપણું, દબાણ અથવા હળવો દુ:ખાવો અનુભવાય છે. આ લીવરમાં સોજો અથવા ઈમ્ફ્લેમેશનનો સંકેત હોઈ શકે છે. આ દુ:ખાવો ગંભીર નથી હોતો પરંતુ હળવો દુ:ખાવો અથવા ભારેપણું અનુભવાય છે. તેથી થાક અને વજન વધવા જેવા લક્ષણોને અવગણવા ન જોઈએ.
ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના સૂક્ષ્મ સંકેત
ફેટી લીવર બીમારીનો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સાથે ગાઢ સબંધ છે, એટલે કે શરીરના કોષો ઈન્સ્યુલિન પ્રત્યે યોગ્ય રીતે પ્રતિક્રિયા નથી આપતા. ભોજન પછી ઝડપથી ભૂખ લાગવી, અચાનક એનર્જી ક્રેશ થવી અથવા ગરદન અને બગલની આસપાસની ત્વચા કાળી પડવી એ સંકેતો છે કે શરીરનું શુગર કંટ્રોલ ખરાબ થવા લાગ્યુ છે અને તે ડાયાબિટીસ થઈ શકે છે.
ભૂખ ઓછી લાગવી
જ્યારે લીવરમાં ચરબી જામી જાય છે ત્યારે તેની ફેટ અને ટોક્સિન્સને પ્રોસેસ કરવાની ક્ષમતા ઘટી જાય છે. આનાથી પેટ ખરાબ થઈ શકે છે, ઝડપથી પેટ ભરાઈ જવું અથવા ભૂખ ઓછી લાગે છે. આ સંકેતો છે કે શરીર આંતરિક રીતે પોતાની સાથે જ લડી રહ્યું છે.
આ પણ વાંચો: કેરળમાં ભાજપે ‘સોનિયા ગાંધી’ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા!
જો તમને આમાંના કોઈપણ સંકેતો દેખાય તો તે ફેટી લીવર ડિસીઝના લક્ષણો હોઈ શકે છે. તેથી, જો તમને આમાંના કોઈપણ લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક કોઈ એક્સપર્ટને મળીને તેમની સલાહ લો. જેથી આ બીમારીને વધતી રોકી શકાય.






